જામનગર તાલુકાના અમરાપર ગામમાં વાડી વિસ્તારમાં આવેલી દરગાહ નજીકથી સ્થાનિક પોલીસે ત્રણ શખ્સોને 1 કિલો 960 ગ્રામ ગાંજાનો જથ્થો, બુે મોબાઇલ અને રૂા.23,000 ની રોકડ રકમ તથા બે બાઈક સહિત રૂા.88,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના અમરાપર ગામના વાડી વિસ્તારમાં ગાંજાના જથ્થાનો વેંચાણ કરાતું હોવાની હેકો વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કો. ભગીરથસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ સી.એચ.પનારા, હેકો પી.પી. જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરેશ પરમાર, પો.કો. માનસંગભાઈ ઝાપડીયા, મેઘરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, હર્ષપાલસિંહ ગોહિલ, દેવજીભાઈ ડેર અને અશોકભાઈ ગાગીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી રેઈડ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડેખણ ગામના બટુક બચુ વીંઝુડા, રજાક હુશેન કુરેશી, જાવીદ સીદીક કારવા નામના ત્રણ શખ્સો બહારથી ગાંજો મંગાવી વેંચાણ કરતા હતાં.
જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન અમરાપરના વાડી વિસ્તારમાં દરગાહ નજીકથી બટુક બચુ વીંઝુડા, રજાક હુશેન કુરેશી, જાવીદ સીદીક કારવા ત્રણેય શખ્સોને રૂા.19,960 ની કિંમતના 1 કિલો 960 ગ્રામ ગાંજાનો જથ્થો અને રૂા.10,500 ની કિંમતના બે મોબાઇલ તથા રૂા.23,000 ની રોકડ રકમ તેમજ રૂા.35,000 ની કિંમતની બે બાઈક મળી કુલ રૂા.88,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ ગાંજાનો જથ્થો સુરતના કિરીટ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કેફીયત આપતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ બી.એમ. કાતરીયા ચલાવી રહ્યા છે.