Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારઇન્સ્ટન્ટ લોનના બહાને બ્લેકમેઇલ તથા છેતરપિંડીમાં મહિલા સહિત ત્રણ શખ્સો ઝબ્બે

ઇન્સ્ટન્ટ લોનના બહાને બ્લેકમેઇલ તથા છેતરપિંડીમાં મહિલા સહિત ત્રણ શખ્સો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલની સફળતા : મોબાઇલ એપ્લીકેશનોમાં સાવચેતી રાખવા પોલીસ વડાની અપીલ

- Advertisement -
 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર ફ્રોડનો અજાણ લોકો ભોગ બનતા હોવાનું ધ્યાને આવતા, અહીંના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ અને મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે.
દ્વારકાના રૂપિયા બંદર વિસ્તારમાં રહેતા 20 વર્ષનો એક યુવાન લોન માટે સારૂ આધારકાર્ડ, પાન કાર્ડ અને ફરીયાદીનો સેલ્ફી ફોટો ઓનલાઈન એપ્લિકેશનમાં અપલોડ કરતાં તેની પ્રોસેસિંગ ફી કાપીને ચોક્કસ રકમની લોન જમા થઈ ગયા બાદ છેતરપિંડીનો ભોગ બનેલા આ યુવાને આ લોન કલોઝ કરવા અવાર- નવાર વોટ્સએપમાં મેસેઝ કરવામાં આવતા. બાદમાં સુનિયોજિત રીતે આરોપીઓ દ્વારા ફરીયાદીના ફોટાને એડીટ કરી, બિભત્સ બનાવી. વિદેશી મોબાઇલ નંબરથી વોટ્સએપ મારફતે ફરીયાદીને મોકલેલ અને ધમકી આપેલ કે લોન નહી ભરી તો ફરીયાદીના બિભત્સ ફોટાઓ સોશ્યલ મીડીયામા અપલોડ કરશે.
બાદમાં ફરીયાદીના તમામ કોન્ટેક્ટ લીસ્ટવાળાને તેમજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિગેરે જેવા સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપતા. એ રીતે આરોપીઓ દ્વારા કુલ રૂા. 61,000 પડાવી લેવામાં આવ્યાની ફરીયાદ બાદ આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચ દ્વારા મેન્યુઅલ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં બિહાર રાજ્યના જમુઈ જિલ્લાના રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘ નામનો શખ્સ સંડોવાયેલો હોવાના પુરાવાના આધારે આરોપીને સુરત ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે અત્રે લાવીને ધરપકડ કરવામાં આવેલ છે.
માત્ર 12 ચોપડી ભણેલા આરોપી રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘના રિમાન્ડ દરમિયાન વધુ ત્રણ શખ્સોના નામ ખુલવા પામ્યા હતા.
આ પ્રકરણમાં ધરપકડ વધુ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં બેરોજગાર એવા બિહાર રાજ્યના જમુઈ જિલ્લાના અભિષેકકુમાર રવિન્દ્રપ્રસાદ સિંગ, (ઉ.વ. 24) તથા બિહાર રાજ્યના પાટના જિલ્લાના રહીશ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સૌરભરાજ ગજેન્દ્રકુમાર સિંગ નામના 24 વર્ષના રાજપુત યુવાન તેમજ આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે રહેતી અને બ્યુટીશિયનનું કામ કરતી મોહમંદ જુહી મોહમદ સાલુ સલીમ શેખ (ઉ.વ. 30)ની ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા ગુનેગારોએ આ મોડેસ ઓપરેન્ડી આચરીને આજ સુધી અલગ અલગ લોકો પાસથી ત્રીસ લાખ જેટલી રકમની ખંડણી ઉઘરાવી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.
આ ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓ ઘણા લાંબા સમયથી વર્ચ્યુઅલ નંબરો પરથી એક બીજા સાથે સંપર્કમાં રહી આયોજનબદ્ધ રીતે છેતરપિંડી કરવા માટે કાવતરું રચી તે અનુસંધાને આરોપીઓ યુ-ટ્યુબ તથા ગુગલ પ્લે સ્ટોરમાં તેમની ઇન્સ્ટન્ટ લોનની એપ્લીકેશન અપલોડ કરતા હતા. યુ-ટ્યુબમાં એડવર્ટાઇઝ ફિલ્ડમાં આ એપની એડ મુકી, નાગરીકોને ઇન્સ્ટન્ટ લોન મેળવવા માટેની લોભામણી જાહેરાતો કરી, મોબાઇલ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરાવતા હતા. જે એપ ઇન્સ્ટોલ કરતા તેમાં કોન્ટેકટ, કેમેરા, ફોટાઓ, વિડીયો વિગેરે જેવા મોબાઇલ ફોનના અગત્યના ડેટાના એકસેસ લેવાની મંજુરી માંગે છે. જેથી તે એપ મોબાઇલ ફોનનો ડેટા સ્ટોર કરી લે છે. બાદમાં નાગરીકોના પાન કાર્ડ અને આધારકાર્ડ તથા બેંકને લગતી માહિતી અપલોડ કરવા જણાવે છે, જે માહિતી અપલોડ કરતાની સાથે જ પ્રોસેસીંગ ફી કપાઇ બાકીની રકમ લોન સ્વરૂપે નાગરીકોના ખાતામાં જમા થઇ જાય છે. બાદમાં પાંચ-છ દિવસ પછી આરોપીઓ વિદેશી મોબાઇલ નંબર પરથી વોટસએપ કોલ-મેસેજ કરવાના ચાલુ કરી, તે વોટસએપ દ્વારા નાગરીકોને ઉંચા વ્યાજદર સાથે લોનની ભરપાઇ કરવા માટે ધમકી આપે છે. નાગરીકો દ્વારા આવી લોનની ભરપાઇ કરવામાં આવે તો પણ નાગરીકોને સહમતી વગર બીજો લોન જમા કરી દેવામાં આવે છે. એ રીતે અવાર-નવાર લોન જમા કરી, વધુ નાણાની માંગણી કરવામાં આવે છે. તેમજ આરોપીઓ ધાક-ધમકી આપે છે કે, જો નાગરીકો દ્વારા નાણા ચુકવવામાં નહિ આવે તો, તેમના મોબાઇલ ફોનમાં સેવ (સ્ટોર) કરેલા તમામ મોબાઇલ નંબરમાં ભોગ બનનારનો ફોટો મોર્ફ (એડીટ) કરી, ભોગ બનનારના મિત્રો તથા સગા- સબંધીને મોકલે છે અને ભોગ બનનારને હરાવી-ધમકાવી નાણા પડાવે છે.
એ રીતે નાગરીકો ડરી જઇ અવાર-નવાર ઉંચા વ્યાજદર તથા લોનની રકમની ચુકવણી કરતા હોય છે. અને આ છેતરપીંડી કરેલી રકમ તેઓના બેંક ખાતાઓમાં આવી તેના USDT ખરીદ કરી ઈ-મેઇલ મારફતે અન્ય આરોપીને મોકલી આપી એ રીતે આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા હતા.
આ ગુનામાં આરોપીઓએ અલગ અલગ લોકો સાથે આ રીતે બળજબરીથી કઢાવી મેળવેલા રૂ. ત્રીસ લાખ યુ.એસ.ડી.ટી. (USDT) માં કનવર્ટ કરી [email protected] મેઇલ આઇ.ડી.માં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવેલ છે. આ રીતે ઘણા લોકો સાથે છેતરપીંડી કરેલ હોવાની કબુલાતો કરેલ છે. આ આરોપીઓને હીના નામની સ્ત્રી દ્વારા વર્ચ્યુઅલ નંબર ઉપરથી ઓનલાઇન ટેકનીકલ તાલીમ આપવામાં આવેલ છે. આ ગુનાના મુળ સુધી પહોંચવા અને [email protected] મેઇલ આઇ.ડી.ઉપયોગ કરનાર વ્યક્તિ અને તાલીમ આપનાર સુધી પહોચવા ટેકનીકલ અને મેન્યુઅલ રીતે ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવી રહેલ છે.
આ પ્રકરણમાં આરોપીઓના ગુનાહીત ઇતિહાસમાં સુરત શહેર રાંદેર પોલીસ સ્ટેશનમાં કલમ 306, 384, 507 તથા આઇ.ટી. એક્ટ તથા અનુસુચિત જાતી અને અનુસુચીત જનજાતી (અત્યાચાર નિવારણ) અધિનિયમ મુજબ ફરિયાદ, તેમજ સુરતના ડીંડોલી પોલીસ મથકમાં કલમ- 384, 507, 114, આઇ.ટી. એક્ટ ઉપરાંત અમદાવાદ શહેર વટવા જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં કલમ 406, 420 વિગેરે હેઠળ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
આ ગુનાની તપાસ હાલ સાયબર સેલના પી.આઈ. એ.વાય. બ્લોચ ચલાવી રહ્યા છે. હાલમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી સાયબર સેલના પી.આઈ. એ.વાય. બ્લોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઈ કરમુર, હેભાભાઇ ચાવડા, પબુભાઈ ગઢવી, જનકભાઇ કરમુર, માનસીબેન કણઝારીયા, કાજલબેન કરમુર, ભીમસીભાઈ ગોજીયા, જોશનાબેન ભાટીયા દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક દ્વારા જનતા જોગ અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે કે, આપને નાણાની જરૂર હોય તો, કયારેય ઓનલાઇન માધ્યમો જેવા કે, યુ-ટ્યુબ, પ્લેસ્ટોર વિગેરે જેવા પ્લેટફોર્મ પરથી ઇન્સ્ટન્ટ લોન જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહિ, તેમજ કોઇ પણ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરતી વખતે તેમા પરમીશન માંગવામાં આવતી હોય છે, જે તમારા મોબાઇલ કોનનું એકસેસ લઇ મહત્વનો ડેટા લઇ લે છે. જેથી આવી પરમીશન આપતા પહેલા વિચારો. આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો. કોઇ પણ પ્રકારે ઓનલાઇન લોન લેવાનુ ટાળો. જો લોનની જરૂરીયાત હોય તો સીધા બેંકનો સંપર્ક કરવો. ક્યારે પણ આ પ્રકારે કોઇપણ સાયબર ફ્રોડનો બનાવ બને તાત્કાલીક દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular