ખંભાળિયા શહેરમાં એક વેપારી દ્વારા મંગાવવામાં આવેલા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદ સીરપ પ્રકરણમાં એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 4,000 બોટલ સીરપ સહિત રૂપિયા 9 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરી, આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ બાદ અહીંના વેપારી તેમજ અમદાવાદના સપ્લાયર સહિત આજરોજ ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી એક શખ્સની ધરપકડ કરી, ખંભાળિયા પોલીસે તેને ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં ઉભેલા એક આઇસર ટ્રકમાં એલસીબી પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાં જુદા જુદા બોક્સમાં રાખવામાં આવેલી 4,000 બોટલ સીરપનો જથ્થો સાંપળ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 5.96 લાખની કિંમતની સંભવિત રીતે આલ્કોહોલ મિશ્રિત સીરપનો જથ્થો તેમજ રૂ. 3 લાખનો આઇસર ટ્રક સીઆરપીસી કલમ 102 હેઠળ કબજે લઈ, આગળની તપાસ હાથ ધરી હતી.
આ કાર્યવાહીમાં કબજે લેવામાં આવેલી સિરપની બોટલ રાજકોટ એફએસએલમાં રજૂ કરવામાં આવતા આ સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. આ અંગે નિયમ મુજબ કોઈપણ આલ્કોહોલ વાળું આયુર્વેદિક સીરપ વાળું પીણું વેંચવા માટે નશાબંધી અને આબકારી ખાતામાંથી ચોક્કસ પરવાનો લેવાનો હોય. તે લીધા વગર ચોક્કસ નામની આયુર્વેદિક સીરપનું ઉત્પાદન કરી, ત્યાર બાદ ખોટા જીએસટી નંબરથી બિલો બની અને વેચાણ કરવાનું આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
આ પ્રકરણમાં અમદાવાદના મેમનગર ખાતે રહેતા ભરત ચનાભાઈ નકુમ દ્વારા ખંભાળિયાના વેપારી ચિરાગ લીલાધર થોભાણીને અમદાવાદ ખાતે રહેતા ટ્રક ચાલક રમેશ ભોપાભાઈ ખરગીયા મારફતે આયુર્વેદિક સીરપનો ઉપરોક્ત જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. આ પ્રકરણમાં અહીંના વેપારી તેમજ અમદાવાદથી સીરપ મોકલનારે ખોટા જીએસટી નંબર આપવામાં આવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર તપાસ અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીએ હાથ ધરી અને મૂળ ભાણવડ તાલુકાના અને હાલ અમદાવાદમાં મેમનગર ખાતે રહેતા સપ્લાયર ભરત ચનાભાઈ નકુમ, અહીંના વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી તેમજ વેજલપુર – અમદાવાદ ખાતે રહેતા ટ્રક ચાલક રમેશ ભોપાભાઈ ખરગીયા સામે આઈ.પી.સી. કલમ 120 (બી), 465, 467, 468, 471, 114 તથા ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગેની વિધિવત ફરિયાદ આજરોજ અહીંના પી.એસ.આઈ. એ.બી. જાડેજાએ નોંધાવતા મંજૂરી વગર અને ખોટા જીએસટી નંબર આપીને અનઅધિકૃત રીતે આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદ સીરપનું સપ્લાય કરવા બદલ ભરત ચનાભાઈ નકુમની અટકાયત કરી હતી. જેમાં તપાસનીસ અધિકારી પી.આઈ. એન.એચ. જોસીએ તેને અહીંની અદાલતમાં રજૂ કરી, વિવિધ મુદ્દે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પ્રકરણમાં અહીંના વેપારી ચિરાગ થોભાણી તેમજ અમદાવાદના રમેશ ભોપા ખરગીયાની અટકાયત માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.