જામનગર શહેરના વાઘેરવાડામાં રહેતો શાકભાજીના વેપારી યુવકની રેંકડીએ ત્રણ શખ્સોએ આવીને રેંકડી દૂર ખસેડી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વાઘેરવાડામાં બચુનગર વિસ્તારમાં રહેતાં કાસીમ સાજીદભાઈ મહુર (ઉ.વ.23) નામનો યુવક શાકભાજીની રેંકડી ચલાવતો હતો અને યુનો મેડીકલ સામેના ભાગમાં જનતા કરિયાણાવાળાની દુકાનની બાજુમાં રેંકડી રાખી શાકભાજીનો વેપાર કરતો હતો. તે દરમિયાન જામનગરના નઈમ ઉર્ફે નયમો યુસુફ ગોળવાળા, સબીર ઉર્ફે સબલો યુસુફ ગોળવાળા, મહમદ ઉર્ફે મમલો હાંડી સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી કાસીમની રેંકડીએ અવાર-નવાર જઈ ગાળો કાઢી માથાકૂટ કરતા હતાં દરમિયાન શુક્રવારે સાંજના સમયે ફરીથી આ ત્રણેય શખ્સોએ આવીને કાસીમની રેંકડી દૂર ખસેડી તેની જગ્યાએ પોતાની ડુંગળીની રેંકડી રાખી અપશબ્દો બોલી ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. રેંકડી રાખવાનો ખાર રાખી ત્રણ શખ્સોએ કરેલા હુમલાના બનાવમાં હેકો એન.કે. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.