જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં મહિલા રિસામણે આવવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સો દ્વારા લાકડાંના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
હુમલાના આ બનાવની વિગત મુજબ જામનગરના ગુલાબનગરના હુસેની ચોકમાં રહેતો સમીર ઇસ્માઇલ ગજિયા (ઉ.વ.18) નામના યુવકના બહેન મહેનાઝબેન તેણીના પતિ અમીરહુસેનના ઘરેથી રિસામણે આવ્યા હોવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે સમીર અને તેનો મિત્ર અરબાઝ બેઠાં હતા ત્યારે અમીરહુશેન, ફારૂક અને આમીન નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી આવ્યા હતા અને લાકડાના ધોકા વડે આડેધડ સમીર ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી તેમજ જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


