લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એક મહિના પૂર્વે ઓટલા ઉપર બેસવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉ5ર લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા હિતેશપરી નટુપરી ગોસાઈ (ઉ.વ.29) નામના મજૂરી કામ કરતા બાવાજી યુવાનને એક માસ પૂર્વે ઓટલા ઉપર બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખી બુધવારે રાત્રિના સમયે રવિરાજસિંહ કાળુભા, વિરભદ્રસિંહ જામસિંહ અને અજીતસિંહ બનેસંગ નામના આરબલુસના ત્રણ શખ્સોએ હિતેશપરીને આંતરીને ઢીકાપાટુનો અને લાકડી તથા લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો ટી.બી.જાડેજા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.