ખંભાળિયામાં મચ્છુ માતાજીના મંદિર વાળી શેરીમાં રહેતા અને ચાંદીકામ અંગેના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી હિતેશભાઈ મકવાણા નામના યુવાન તથા તેમના ભાઈ જયસુખભાઈ ગઈકાલે રાત્રે આશરે આઠેક વાગ્યાના સુમારે પોતાની દુકાને કામ કરી રહ્યા હતા, ત્યારે અહીં એકાએક ત્રણ શખ્સો દુકાનમાં ધસી આવ્યા હતા અને કોઈ સામાન્ય બાબતે બોલાચાલી કરીને તેઓની પાસે રહેલા લોખંડના પાઇપ તેમજ ધોકા વડે તૂટી પડ્યા હતા. વેપારી યુવાન હિતેશભાઈ મકવાણાને બેફામ માર મારી તેમના હાથમાં ફ્રેક્ચર તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ પહોંચાડી હતી.
એકાએક આ હુમલો કરાતા વેપારી યુવાન દુકાનનું શટર પાડી અને અંદર ચાલ્યા ગયા હતા અને અંદરથી શટર બંધ કરી દીધું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે હિતેશભાઈ મકવાણા દ્વારા ત્રણ અજાણ્યા શખ્સો અંગે પાઇપ તથા ધોકા વડે હુમલો કરવા સબબ પોલીસમાં જાણ કરવામાં આવી છે.
હુમલાનો આ બનાવ બનતા અહીંના સોની વેપારીઓ દિલીપભાઈ ઘઘડા, રાણાભાઈ વિગેરે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી, સીસીટીવી ચકાસી અને હુમલાખોરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ હુમલાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વેપારી પર હુમલાના આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.