જામનગરના નાઘેડી ગામમાં રહેતા યુવકે માનસિક બિમારીથી કંટાળી સસોઇ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં રણજીતનગર રોડ પર આવેલી મંગલધામ સોસાયટીમાં રહેતા વૃદ્ધનું તેના ઘરે બાથરૂમમાં પડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગરના નાઘેડી ગામમાં રહેતા નિલેશભાઇ ભાયાભાઇ ચાવડા (ઉ.વ.26) નામના યુવકને છેલ્લા ચારેક વર્ષથી માનસિક બિમારી હોય તેનાથી કંટાળી ગઇકાલે તા.28ના પોતાના ઘરના સભ્યને મારે જીવવું નથી, હું આ માનસિક બિમારીથી કંટાળી ગયો છું તેમ કહી પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પોતાના શરીરે પથ્થર બાંધી સસોઇ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે ભાયાભાઇ ચાવડા દ્વારા જાણ કરાતા લાલપુરના હે.કો. ટી.બી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શિવનગર શેરી નં.10 માં રહેતાં સાકીરઅલી મહેરાજઅલી (ઉ.વ.37) નામનો યુવાન શનિવારે રાત્રિના સમયે તેના ઘરમાં આવેલા પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં રણજીતનગર રોડ પર આવેલી મંગલધામ સોસાયટીમાં રહેતા જયવંતભાઈ ડાયાભાઈ સોલંકી (ઉ.વ.64) નામના વૃદ્ધ રવિવારે બપોરના સમયે તેના ઘરે બાથરૂમમાં જતાં હતાં ત્યારે પડી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો એમ.એન.ગોગરા તથા સ્ટાફે મૃતકના પુત્ર આશિષના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.