જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં વેપારી દ્વારા કરાયેલી ગેરકાયદે દીવાલની પાડતોડ દરમિયાન દીવાલ એકાએક ધસી પડતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ત્રણ કર્મચારીઓ દીવાલના કાટમાળ હેઠળ દબાઇ જતાં ત્રણેયને બહાર કાઢી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ બનાવની વિગત મુજબ, જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં વેપારી દ્વારા ગેરકાયદે રીતે દીવાલ કરી દુકાનમાં શટર લગાવી દેવાયા હતા ગેરકાયદેસર બાંધકામની જાણ થતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદે દિવાલ જાતે દૂર કરી લેવા વેપારીને નોટિસ પાઠવી હતી પરંતુ વેપારી દ્વારા દૂર કરવામાં ન આવતા આજે સવારે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી ડીમોલેશન કરવા માટે પહોંચી દિવાલનું બાંધકામ દૂર કરવા ની કાર્યવાહી હાથ ધરાતા સમયે એકાએક દીવાલ ધસી પડતાં એસ્ટેટ શાખાના ત્રણ કર્મચારીઓ દિવાલના કાટમાળ હેઠળ દબાયા હતા અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
એસ્ટેટ શાખાના કર્મચારી અજયસિંહ ચુડાસમાને ડાબા પગમાં દીવાલ ધસી પડવાના કારણે ફ્રેકચર અને ગોપાલભાઈ ખાણધર તથા અવેશ મકરાણી નામના બે કર્મચારીઓને હાથમાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ત્રણેય કર્મચારીઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા અધિકારીઓનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને ત્રણેય કર્મચારીઓને સારવાર માટેની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા મ્યુ. કમિશનર વિજય ખરાડીએ પણ બનાવની વિગતો મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી સુચના આપી હતી.