રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં 11 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં નોંધાયો હતો. આ સિવાય રાજકોટના જામકંડોરણાં, જેતપુર પાવી, ઉના, છોટાઉદેપુર, વિસાવદરમાં પણ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત થઈ છે જેમા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે 11 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં પડેલા વરસાદમાં જેતપુર પાવીમાં અને જામકંડોરણામાં 2.5 ઈંચ, છોટાઉદેપુરમાં સવા 2 ઈંચ, ઉનામાં પોણા 2 ઈંચ, વિસાવદરમાં પોણા 2 ઈંચ, ક્વાંટમાં સવા ઈંચ, લાઠી અને જાફરાબાદમાં સવા ઈંચ, ગીરગઢડામાં સવા ઈંચ, બોડેલીમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય મેંદરડામાં 1 ઈંચ, માંડવીમાં પોણો ઈંચ, ભાવનગરમાં અને કોડીનારમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે વલસાડ, દમણ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે, આ સિવાય અમદાવાદ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મહીસાગર, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહેસાણા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સાથે જ કાલથી અમદાવાદ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથનર્મદા, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત કાલથી 22 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.