જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં આવેલી જવેલર્સની દુકાનના દરવાજાનો કાચ તોડી રૂા.1.75 લાખના ચાંદીના દાગીનાની તથા 1 કાપડની દુકાનમાંથી રેડીમેટ કપડાંની તેમજ એક બાઇક સહિત કુલ રૂા.1.93 લાખના સામાનની ચોરી થયાના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી.
છેલ્લા થોડાં સમયથી જામનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો વધતાં જાય છે. હાલ તહેવારોની સિઝન ચાલુ હોવાથી તસ્કરોને મોકરું મેદાન મળી ગયું છે. દરમ્યાન જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં બુધવારની મધ્યરાત્રીના સમયે તસ્કરોએ તરખાટ મચાવી જવેલર્સની અને કાપડના શો રૂમમાંથી અને અન્ય મકાનમાંથી બાઇકની ચોરીના બનાવે પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. આ ચોરીના બનાવની વિગત મુજબ રાજકોટમાં ઘંટેશ્વર વિસ્તારમાં વ્રજભુમી એવન્યુમાં રહેતાં મનીષ અશોકભાઇ મીસણ નામના યુવાનની જવેલર્સની દુકાનના સટ્ટર તોડી દરવાજાનો કાચ તોડી દુકાનમાં પ્રવેશી રૂા.1,75,500ની કિંમતના ત્રણ 3 કિલો 559 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. તેમજ બાજુમાં આવેલી રસિકભાઇ વડેચાની દુકાનના તાળા તોડી તેમાંથી રૂા.8000ના જિન્સ અને ટી-શર્ટની ચોરી કરી હતી.
ઉપરાંત ધુતારપર ગામમાં રહેતાં નરેશભાઇ રાઠોડ નામના યુવાનના મકાનના ફળીયામાં પાર્ક કરેલું રૂા.10,000ની કિંમતનું જીજે.10.બીપી.3755 નંબરના બાઇક સહિત કુલ રૂા.1,93,500ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. નાના એવા ગામમાં એક સાથે ત્રણ-ત્રણ સ્થળોએ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાય ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચ-એ પીએસઆઇ કે.વી.ઝાલા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભી જવેલર્સના સંચાલક મનીષભાઇના નિવેદનના આધારે ચાર તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોધી મળેલા સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.