કોરોના વાયરસના નવા વેરીયન્ટ વિશ્વ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાએ આશંકા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોવિડ-19ના વધુ નવા વેરીયન્ટ દેખાઈ શકે છે. તેમણે કહ્યું છે કે આ સમયે વૈશ્વિક સ્થિતિ એવી છે, જે કોરોનાના નવા પ્રકારોને જન્મ આપી શકે છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે સોમવારે કહ્યું કે સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ વધુને વધુ નવા વેરિયન્ટને જન્મ આપવા સક્ષમ છે.
WHOના વડાએ કહ્યું કે જ્યારથી ઓમિક્રોન સામે આવ્યું છે ત્યારથી વિશ્વભરમાં 8 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ કેસ 2020ના કેસ કરતાં વધુ છે. તેમણે એમ પણ કહ્યું કે ઓમીક્રોનએ છેલ્લો કોવિડ-19 પ્રકાર નથી અને ભવિષ્યમાં આ રોગચાળાને લગતા વધુ નવા પ્રકારો આવતા રહેશે. જો કે, ટેડ્રોસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો વૈશ્વિક આરોગ્ય એજન્સી અને તમામ દેશો સાથે મળીને યોગ્ય વ્યૂહરચના સાથે આગળ વધે તો આ વર્ષે જ આ મહામારીનો ખતરો ખતમ થઈ શકે છે.
ગ્લોબલ હેલ્થ એજન્સીના વડાએ કહ્યું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે તમામ દેશોએ તેમની ઓછામાં ઓછી 70 ટકા વસ્તીને રસી આપવી પડશે. ખાસ કરીને ઉચ્ચ અગ્રતા ધરાવતા જૂથોને પ્રથમ રસી આપવી પડશે, જેમાં વૃદ્ધો, આરોગ્ય કર્મચારીઓ અને બીમાર લોકોનો સમાવેશ થાય છે. WHOના વડાએ કહ્યું કે તમામ દેશોએ કોવિડ-19 પરીક્ષણ વધારવું પડશે. ભવિષ્યમાં આવનારા નવા વેરિયન્ટની શોધ કરવી પડશે, તેનો ઉકેલ શોધવો પડશે. તેમણે કહ્યું કે આપણે પરેશાનીઓનો અંત આવે તેની રાહ જોઈને બેસી ન શકીએ.
WHO અધિકારીએ એમ પણ કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછો ખતરનાક છે. તેમ છતાં આ રોગની અસર લોકોમાં જોવા મળી રહી છે. અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. જે લોકો મોટી ઉંમરના છે. જેમને રસી આપવામાં આવી નથી અથવા ગંભીર બીમારીથી પીડિત છે, તેમની સ્થિતિ ઓમિક્રોનને કારણે વધુ ગંભીર બની રહી છે.