ભાણવડ તાલુકાના કબરકા ગામે મંગળવારે સવારે કોઈ તસ્કરોએ સગાઈ પ્રસંગમાં ગયેલા એક ખેડૂત આસામીના બંધ મકાનમાં પ્રવેશ કરી, અહીં રાખવામાં આવેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 3.21 લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર આવેલા કબરકા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા વરવાભાઈ પરબતભાઈ નંદાણીયા નામના 55 વર્ષના આહિર આધેડ મંગળવારે સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા દરમિયાન તેમનું મકાન બંધ કરીને દંપતી સાથે એક સગાઈના પ્રસંગમાં બહાર ગયા હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ કરી અને ઘરના રૂમના દરવાજાના નકુચા કોઈ ધારદાર હથિયારો વડે તોડી પાડ્યા હતા.
અહીં તસ્કરોએ મકાનના બંને રૂમમાં રહેલો તમામ માલસામાન વેર વિખેર કરી નાખ્યો હતો. એક રૂમમાં રહેલા નાના કબાટ તથા પેટારામાં રાખવામાં આવેલા રૂપિયા 40 હજાર રોકડા તથા રૂા. 2.55 લાખની કિંમતના આશરે સાડા આઠ તોલા સોનાના હાર તથા બુટ્ટીની જોડી, રૂા. 15,000 ની કિંમતનો સોનાનો અડધા તોલાનો ચેન, રૂા. 5,000 ની કિંમતના બે ગ્રામના સોનાના ઠોરીયા, રૂા. 3000 ની કિંમતનો સોનાનો ઓમકાર તેમજ રુદ્રાક્ષ, રૂપિયા 1,000 ની કિંમતના ચાંદીના કડલાની જોડી, રૂપિયા 1,000 ની કિંમતના ચાંદીના 11 નંગ સિક્કા તેમજ રૂા. 1,000 ની કિંમતની એક જોડી ચાંદીની ઝાંઝરી વિગેરે મળી કુલ રૂપિયા 3 લાખ 21 હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ પ્રકરણમાં પોલીસે ડોગ સ્કવોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની પણ સેવા લીધી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મકાન માલિક વરવાભાઈ નંદાણીયાના બે સંતાનો પૈકી એક અમદાવાદ તથા એક પોરબંદર બેંકમાં નોકરી કરે છે. સવારના સમયે આ દંપતી તેઓનું ઘર બંધ કરી અને ગામમાં એક સગાઈ પ્રસંગે ગયા હતા ત્યાં પાછળથી તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે. આના અનુસંધાને અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આરંભી હતી.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી, ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા સ્ટાફ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.