જામનગર શહેરમાં હરિયા કોલેજ રોડ પર જકાતનાકા પાસેના પ્રકાશ એવન્યુમાં રહેતાં પટેલ યુવાનના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ રકમ અને યુવતીના મકાનમાંથી સોનાના દાગીના અને અન્ય મકાનમાંથી અમેરિકન ડોલર, ચાઇનીઝ કરન્સી અને ભારતીય ચલણ સહિતની રૂા.1.89 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, મુળ મોરબીના સાદુરકા ગામના વતની અને હાલ જામનગરમાં હરિયા કોલેજ રોડ પર જકાતનાકા પાસે આવેલા પ્રકાશ એવન્યુમાં બી / 203 નંબરમાં રહેતાં અને નોકરી કરતા મહેશભાઈ રણછોડભાઈ પંચવટીયા નામના યુવાન ગત તા. 02 ના રોજ નોકરીએ ગયો હતો તે દરમિયાન તેના બંધ મકાનમાંથી તસ્કરો તાળા તોડી રૂા.25000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલા મનિષાબેન સંતોષભાઈ સીંગના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને યુવતીના મકાનમાંથી સોનાની કાનની બુટી નંગ-1, સોનાનું ગણપતિનું પેડલ – 1 મળી કુલ રૂા.6500ના દાગીના ચોરી કરી ગયા હતાં. તેમજ રવિન્દ્રસિંહ ભૂદેવસિંહના બંધ મકાનમાં તાળા તોડી તસ્કરોએ મકાનમાંથી 2500 અમેરિકન ડોલર જેની ભારતીય કિંમત દોઢ લાખ તથા 1000 ચાઇનીઝ કરન્સી જેની ભારતીય કિંમત આઠ હજાર રૂપિયા મળી કુલ રૂા.1,58,000 ની કરન્સી ચોરી કરી ગયા હતાં.
ત્યારબાદ ચોરી અંગેની જાણ મહેશભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે એક સાથે ત્રણ ત્રણ મકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા ઘટનાસ્થળે દોડી જઈ એફએસએલ અને ગુનાશોધક શ્ર્વાનની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.