જામનગર શહેરના ગોલ્ડન સીટી સામે આવેલા ફુલચંદ તંબોલી ભવનમાં રહેતી તરૂણીએ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ જીંદગી ટુંકાવી હતી. જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસેથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ સાંપડતા પોલીસે ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગોલ્ડન સીટી સામે આવેલા ફુલચંદ તંબોલી ભવનમાં રહેતાં સિદ્ધાર્થભાઇ ડોંગરે નામના પ્રૌઢની પુત્રી પ્રિયંકા ડોંગરે (ઉ.વ.17) નામની તરૂણીએ બુધવારે બપોરના સમયે કોઇ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો.કે.આર.ગોસ્વામી તથા સ્ટાફ દ્વારા મૃતકના ભાઇ પ્રતિકના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં જુના રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાંથી આશરે 55 વર્ષના પ્રૌઢ બેશુધ્ધ હાલતમાં હોવાની જીગનેશભાઇ રાઠોડ દ્વારા જાણ કરાતા એએસઆઇ એ.સી.નંદા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ પ્રૌઢને હોસ્પિટલે ખસેડવામાં આવતાં ત્યાં તેનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.