Tuesday, December 24, 2024
Homeરાજ્યસમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવો ભરપૂર

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવો ભરપૂર

- Advertisement -

સૌરાષ્ટ્રમાં ભાદરવા મહિનાની શરૂઆતમાં જ અષાઢી માહોલ જામ્યો હોય તેમ બારે મેઘ ખાંગા થતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. કાળાડિબાંગ વાદળાઓ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે. બપોરબાદ જાણે મેઘમહેર મેઘતાંડવ બની ગઇ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં સુત્રાપાડામાં ચાર કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં પાણી ઘૂસી ગયાના બનાવો પણ બન્યાં છે તેમજ માણાવદર-7.5, માંગરોળ-વંથલી 7, વેરાવળ-સોમનાથમાં ધમાકેદાર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેમજ માળીયા હાટીના 6, ગોંડલ-ધારી- બાબરા-વિસાવદર, કેશોદમાં 5 ઇંચ, જામનગરમાં બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઇ ગયા હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વીજળીના ગાજવીજ અને ચમકારા સાથે વરસાદ વરસતા સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં વીજળી પડવાથી અને તણાઈ જવાથી રાજ્યમાં સાત મૃત્યુ બનાવો બન્યાં છે. સારા વરસાદથી નદી-નાળા છલકાતા ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે. જે વિસ્તારમાં ભારે વરસાદ પડયો છે ત્યાં અમુક ડેમ ઓવરફલો પણ થયા છે. ખરા સમયે આકાશમાંથી કાચુ સોનુ વરસતા ખરીફ પાકને જીવતદાન મળતા જગતનો તાત ગેલમાં આવી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular