જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લાથી રામપર વચ્ચેના રોડ પર હેરીયર કાર અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રોલી ઉંધી વળી જતા યુવતીનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મોરબી જિલ્લાના ભીમગુડા ગામમાં રહેતા કરશનભાઈ વીંજવાડિયા તથા તેમના પરિવારજનો સહિતનાઓ તેના ગામથી દ્વારકાધીશના દર્શન માટે ટ્રેકટર ટ્રોલીમાં જઈ રહ્યા હતાં તે દરમિયાન મધ્યરાત્રિના સમયે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા રામપર વચ્ચેના રોડ પર પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલી જીજે-37-એમ-6465 નંબરની ટાટા હેરીયર કારના ચાલકે ટ્રોલીને પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં ટ્રોલી ઉંધી વળી ગઈ હતી જેના કારણે ટ્રેકટરમાં બેસેલા કિરણબેન જયરાજભાઈ વિંજવાડિયા (ઉ.વ.19) નામની યુવતીને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ડઝન જેટલા મુસાફરોને સામાન્ય તથા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી જઇ કરશનભાઈના નિવેદનના આધારે હેરીયર કારચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.