જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ભિષણ ગરમી પડી રહી હોય, લોકોના હાલ-બેહાલ થયા છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જતાં શહેરીજનો આકરા તાપમાં સેકાયા હતાં. ચૈત્ર માસમાં પડી રહેલી ગરમીએ લોકોને બપોરના સમયે ઘરમાં જ પૂરાઇ રહેવા મજબૂર કર્યા હતાં. આકરા તાપને કારણે બપોરના સમયે રાજમાર્ગો સુમસામ બન્યા હતાં.
જામનગર સહિત રાજ્યભરમાં રેકોર્ડ ગરમી પડી રહી છે. જામનગર શહેરમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતાં બપોરના સમયે બળબળતી લૂ થી રાહદારીઓ અને વાહનચાલકો પણ પરેશાન થયા હતાં. બપોરના સમયે અંગ દઝાડતી લૂથી માર્ગો સુમસામ બન્યા હતાં. જનજીવન જાણે થંભી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તો બીજીતરફ ભિષણ ગરમીના કારણે પશુ-પક્ષીઓની હાલત પણ દયનિય બની હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યાનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 23.0 ડિગ્રી હવામા ભેજનું પ્રમાણ 91 ટકા જ્યારે પવનની સરેરાશ ઝડપ 7.2 કિ.મી. પ્રતિ કલાકની જોવા મળી હતી. ભેજનું પ્રમાણ 91 ટકાએ પહોંચતાં બફારાના કારણે લોકો અકળાઇ ઉઠયા હતાં. આકાશમાંથી અગનવર્ષાને કારણે શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. જામનગરમાં કાળઝાળ ગરમીથી બચવા લોકોએ શેરડીનો રસ, ઠંડાપીણાનો સહારો લીધો હતો. તો વળી, કેટલાંક લોકો સ્વિમીંગ પુલમાં ધુબાકા માર્યા હતાં.