દેવભૂમિ દ્વારકામાં આવેલા રાણ-લીંબડી વિસ્તારના બામણાસા ગામમાં રહેતા એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને 108 ની ટીમના ઈ.એમ.ટી. સવદાસભાઈ નંદાણીયા અને પાયલોટ પ્રકાશ ચોપડા દ્વારા તેમના ઘરે જઈને જ પ્રસુતિ કરાવી હતી. જેમાં પ્રસુતાને એક બાળકનો જન્મ થયો હતો.
આ દરમિયાન 108 ની ટીમે બાળકની તપાસ કરતા તેને હૃદયના ધબકારા ન હતા. જેથી તેને છાતીના દબાણ સાથે કૃત્રિમ શ્વાસ આપીને બાળકને જીવન આપવામાં આવ્યું હતું. આમ, 108 ના સ્ટાફે ઉત્તમ કામગીરી કરી, નવજાત બાળક અને માતાને જરૂરી સારવાર આપી, ત્યાર બાદ ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.