અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે જ હવે તેના પાડોશી કે અન્ય દેશો સાથેના સંબંધ પણ બદલાવા લાગ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન ગાઢ મિત્રો રહી ચુક્યા છે પરંતુ તાલિબાનના સત્તા પરના કબજા સાથે જ ભારત સાથેની આયાત અને નિકાસ બંને બંધ કરી દેવામાં આવ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડો. અજય સહાયે આ વાતની પૃષ્ટિ કરી હતી. ડો. અજય સહાયે જણાવ્યું કે, તાલિબાને હાલ તમામ કાર્ગો મૂવમેન્ટને રોકી દીધી છે. આપણો માલ હંમેશા પાકિસ્તાનના રસ્તે જ સપ્લાય થતો હતો જેને હાલ રોકી દેવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ જેથી સપ્લાય ફરી શરૂ કરી શકાય. પરંતુ હાલ તાલિબાને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ રોકી દીધા છે. ડો. અજય સહાયના કહેવા પ્રમાણે બિઝનેસ મામલે ભારત અફઘાનિસ્તાનનું સૌથી મોટું પાર્ટનર છે. 2021માં આપણી એક્સપોર્ટ 835 મિલિયલ ડોલરની હતી જ્યારે 510 મિલિયન ડોલરની ઈમ્પોર્ટ છે.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સિવાય ભારત દ્વારા મોટા પાયે અફઘાનિસ્તાનમાં રોકાણ પણ કરવામાં આવેલું છે. તેમાં આશરે 400 યોજનાઓમાં 3 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ છે. ઉલ્લેખનિય છે કે, ભારત ખાંડ, ચા, કોફી, મસાલા સહિતની અન્ય વસ્તુઓ એક્સપોર્ટ કરે છે અને મોટા પાયે ડ્રાય ફ્રુટ્સ, ડુંગળી વગેરે ઈમ્પોર્ટ કરવામાં આવે છે. તેવામાં ટૂંક સમયમાં જ ડ્રાય ફ્રુટ્સની કિંમતો વધી શકે છે. હકીકતે તાલિબાને એવી જાહેરાત કરી હતી કે તે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે અને ભારત ત્યાં પોતાના તમામ કામ અને રોકાણ કોઈ પણ જાતની મુશ્કેલી વગર પૂરા કરી શકશે. પરંતુ હવે ટ્રેડ બંધ થવાથી બંને દેશો વચ્ચે સમસ્યા સર્જાઈ છે. જોકે તાલિબાની પ્રવક્તાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એક વખત સરકાર રચાયા બાદ તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે.