Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની પાંચ બેઠકોની મત ગણતરીનો તખ્તો તૈયાર

જામનગર જિલ્લાની પાંચ બેઠકોની મત ગણતરીનો તખ્તો તૈયાર

1લી ડિસેમ્બરે પાંચ બેઠકો ઉપર સરેરાશ 60.01 ટકા મતદાન નોંધાયું : હરિયા કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરાશે : સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ : બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થશે : કલેકટર અને પોલીસવડાના નેજા હેઠળ કામગીરી

- Advertisement -

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અન્વયે તા.1-12-2022ના રોજ થયેલ મતદાનની ગણતરી તા.8-12-2022ના રોજ હરિયા કોલેજ જામનગર ખાતે યોજનાર છે. ભારત નિર્વાચીન આયોગની સૂચના મુજબ મતગણતરી સ્થળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. મત ગણતરી સ્થળે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને મત ગણતરી સ્થળ ખાતે આવનાર સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઉમેદવારો, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, મત ગણતરી એજન્ટોના વાહનો (ટુ વ્હીલર, વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનો) મોટી સંખ્યામાં આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામ થવાની સંભાવના અને અવ્યવસ્થા સર્જાવાના પ્રશ્ર્નો ન રહે તેને ધ્યાને લઈને પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે.

- Advertisement -

ચૂંટણી એજન્ટ, મતગણતરી એજન્ટો, મત ગણતરી સ્ટાફ તથા જાહેર જનતાએ ગોકુલનગર, જકાતનાકા, રેલવે ફાટક પાસે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડના ગ્રાઉન્ડમાં પોતાના વાહનો પાર્ક કરવાના રહેશે. તેમજ અધિકારીઓ, મીડિયા સ્ટાફ, ઉમેદવારો, કલેકટર કચેરી સ્ટાફ, આર. ઓ, એ. આર. ઓ. સ્ટાફે પોતાના વાહનો જી. ડી. ગોઇંકા, પબ્લિક સ્કૂલ (સી. બી. એસ. સી. સ્કૂલ) હરિયા કોલેજની બાજુમાં ઇન્દિરા માર્ગ જામનગર ખાતે પાર્ક કરવાના રહેશે. આ બાબતની નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આવતીકાલે હરિયા કોલેજ ખાતે જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે મત ગણતરી યોજાશે. તેની પૂર્વ તૈયારીઓ અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પાંચ બેઠકો માટે 1લી ડિસેમ્બરે યોજાયેલા મતદાનના 76 કાલાવડ (અ.જા.) ના કુલ 2,33,326 મતદારો પૈકીના 72,709 પુરૂષ અને 57,248 સ્ત્રી તથા અન્ય 1 સહિત 1,29,958 લોકો દ્વારા મતદાન કરાયું હતું. જેમાં પુરૂષની 60.48 ટકા, સ્ત્રી નું 50.62 ટકા મળી 55.70 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 77 જામનગર ગ્રામ્ય બેઠકમાં 2,53,496 મતદારોમાંથી 1,62,004 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં 88,389 પુરૂષ અને 73,615 સ્ત્રી મતદારોએ મતદાન કરતાં પુરૂષોમાં 67.95 ટકા, સ્ત્રીમાં 59.65 ટકા અને કુલ 63.91 ટકા મતદાન નોંધાયું છે. જામનગર ઉત્તર બેઠકમાં 2,63,483 મતદારો પૈકીના 82,142 પુરૂષ અને 70,192 સ્ત્રી અને અન્ય 1 મળી કુલ 1,52,335 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં પુરૂષમાં 60.95 ટકા, સ્ત્રીમાં 54.53 ટકા અને અન્યમાં 100 ટકા મળી કુલ 57.82 ટકા મતદાન નોંધાયું છે.

તેમજ 79 જામનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો કુલ 2,30,740 મતદારો પૈકીના 72,530 પુરૂષ અને 59611 સ્ત્રીઓ દ્વારા મતદાન કરાયું હતુ અને અન્ય-3 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ કુલ 1,32,144 લોકોએ મતદાન કરતાં 57.27 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં પુરૂષોમાં 61.82 ટકા અને સ્ત્રીઓમાં 52.56 ટકા મતદાનની ટકાવારી રહી છે અને 80-જામજોધપુર બેઠકમાં 2,27,526 મતદારો પૈકી 82,064 પુરૂષ મતદારો અને 68812 સ્ત્રી મતદારો અને અન્ય 1 મતદારો મળી કુલ 1,48,877 લોકોએ મતદાન કરતા 65.43 ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં પુરૂષોમાં 70.12 ટકા પુરૂષ અને 60.47 ટકા સ્ત્રી અને અન્ય – 100 ટકા મતદાનની ટકાવારી રહી છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં કાલાવડમાં 55.70 ટકા, જામનગર ગ્રામ્યમાં 63.91 ટકા, જામનગર ઉત્તરમાં 57.82 ટકા, જામનગર દક્ષિણમાં 57.27 ટકા, જામજોધપુરમાં 65.43 ટકા મળી કુલ પાંચ બેઠકો પર 60.01 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબકકાનું મતદાન પૂર્ણ થયું છે. હવે ભાજપા, કોંગે્રસ અને આપના ઉમેદવારો મતદાનના આંકડા આધારે વિશ્ર્લેષણ કરવામાં વ્યસ્ત બન્યા છે. ઓછા મતદાનના કારણે ઉંચાટજીવે ઉમેદવારોએ કાર્યકરો સાથે બેઠકો જમાવી હાર જીતનો અંદાજ લગાવ્યો હતો. મતદાન પૂર્ણ થતાં જ હવે લોકોમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે, કયાં પક્ષને કેટલી બેઠક મળશે ? બીજી તરફ ગત બે ચૂંટણી કરતાં આ વખતે ઓછું મતદાન થયું છે. જે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. હવે આ ઓછું મતદાન કોને ફળશે તે અંગે તહેર તહેરની ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન, મતદાન પૂર્ણ થતા જ રાજકીય પક્ષોના ઉમેદવારો હારજીતનો અંદાજ કાઢવામાં લાગી પડયા છે. ઉમેદવારોએ મતદાનના બુથવાઈઝ આંકડા મેળવી કાર્યકરો સાથે દિવસભર ચર્ચા કરી હતી. એટલું જ નહીં, કયાં અસંતુષ્ટો નડયા અને કયાં વિસ્તારમાં બાજી મેળવી તે અંગેનોય ચિતાર મેળવાયો હતો. આ ઉપરાંત કયા વફાદારોએ છેલ્લી ઘડી સુધી ચૂંટણી મેદાને રહીને મતદાન કરાવ્યું તેની પણ ઉમેદવારોએ માહિતી મેળવી હતી.

- Advertisement -

કયા બુથમાં કેમ ઓછું મતદાન થયું તેના પણ ઉમેદવારોએ કારણો જાણ્યા હતાં. આ વખતે લગ્ન અને કૃષિ સિઝન ઓછા મતદાનમાં મુખ્ય કારણભૂત રહ્યા છે પણ નારાજ મતદારો મતદાન કેન્દ્રો સુધી કેમ પહોંચ્યા નથી તે પણ રાજકીય પક્ષો માટે મંથનનો વિષય બન્યો છે. ઘણી બેઠકો ભાજપા અને કોંગ્રેસની પરંપરાગત બેઠકો છે. જ્યાં જીત નકકી છે ત્યાં ઉમેદવારોએ કેટલી લીડ મળશે તેનો અંદાજ મેળવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular