સુપ્રીમ કોર્ટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (એનિમલ વેલફેર બોર્ડ)ને દેશભરમાં છેલ્લાં સાત વર્ષમાં કુતરા કરડવાની ઘટનાઓ અને તેને રોકવા માટે લેવાયેલા પગલાં પર આંકડા રજૂ કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ જે.કે.માહેશ્વરીની બેન્ચે એનિમલ વેલફેર બોર્ડને વિગતોનો ઉલ્લેખ કરતું એક એફેડિવેટ રજૂ કરવા કહ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે બોર્ડને એમ કહ્યું કે કોર્ટ તરફથી કોઈ ગાઇડલાઈન્સ જાહેર કરવામાં આવે તેવું તે ઈચ્છે છે કે કેમ તે સ્પષ્ટ કરે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેનો 2015નો આદેશ અધિકારીઓ, રજીસ્ટર્ડ સમિતિઓ અથવા અન્ય વ્યક્તિઓને સુપ્રીમ કોર્ટના ક્ષેત્રના અધિકાર વાળી કોર્ટમાં જવાથી અટકાવતો નથી. બેન્ચે કહ્યું કે અમને નથી લાગતું કે 2015ના એ આદેશમાં હાઈકોર્ટ, સેસન્સ કોર્ટ અને અધિકારીઓની સમક્ષ પેન્ડિંગ તમામ રિટ પિટીશન કે કાર્યવાહી અટકી જાય અને રખડતા કૂતરા સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ પ્રભાવી આદેશ પસાર કરી શકાય નહીં તેવું અર્થઘટન ન થવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ અગાઉ કહ્યું હતું કે લોકોની સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે એક સંતુલન જાળવી રાખવું જોઈએ. કોર્ટે સૂચવ્યું કે જે લોકો રખડતા કૂતરાને ખવડાવે છે તેમને તેમના રસીકરણની પણ જવાબદારી સોંપવી જોઈએ અને જો કૂતરું કોઈના પર હુમલો કરે તો તેની સારવારનો ખર્ચ પણ તેમણે વહન કરવો જોઈએ. કોર્ટે જોખમી બની ચૂકેલા રખડતા કુતરાઓને મારવા પર વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા પસાર કરાયેલા આદેશ સંબંધિત મુદ્દા પરની અરજીના અનુસંધાનમાં સુનાવણી હાથ ધરી છે. આ પ્રકારની સમસ્યા ખાસ કરીને મુંબઈ અને કેરળમાં છે. બોમ્બે હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટ સહિત વિવિધ કોર્ટે કોર્પોરેશનના અધિકારીઓને નિયમો અનુસાર કૂતરાઓના જોખમને પહોંચી વળવા માટે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે જેની વિરુદ્ધ કેટલાક બિન-સરકારી સંગઠનો અને વ્યક્તિગત અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.