જામનગરમાં શ્રાવણી મેળાને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તાથી જીલ્લા પંચાયત સર્કલ તથા પ્રદર્શન ગ્રાઉન્ડથી મીગ કોલોની સુધીનો રસ્તો તા.20 ઓગસ્ટથી તા.3 સપ્ટેમ્બર સુધી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જે માટે પવનચકકી સર્કલ અને જનતા ફાટક તરફનો માર્ગ વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે.
જામનગર મહાનગરપાલિકા દ્રારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી મેળાના દિવસો દરમ્યાન વાહન વ્યવસ્થાની જાળવણી અને સલામતીના ભાગરૂપે તથા અકસ્માત નિવારવાના હેતુથી કમિશ્નર ડી.એન.મોદી દ્વારા તા.20 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સવારે 9 થી રાત્રીના 12 વાગ્યા સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સર્કલ અને પ્રદર્શન ગ્રાઉન્ડથી મીગ કોલોની સુધીના માર્ગ પર તમામ પ્રકારના ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ માટે સાત રસ્તા સર્કલથી એસટી બસ સ્ટેન્ડ માર્ગ પરથી પવનચકકી સર્કલ થઇ પંપ હાઉસ રોડ થઇ લાલપુર બાયપાસ ચોકડી અને સાત રસ્તા સર્કલથી જનતા ફાટક ચોકડી થઇ જકાતનાકા સર્કલ થઇ હરિયા કોલેજ રોડ પરથી સાંઢિયા પુલ થઇ રાજકોટ તરફનો માર્ગ વૈકલ્પિક રૂટ રહેશે. તદઉપરાંત સુભાષબ્રીજથી અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, પંચવટી બ્રુકબોન્ડ સર્કલ, શરૂ સેકશન રોડ થઇ પાયલોટ બંગલા સંતોષી માતાજી મંદિર, સાત રસ્તા થઇ એસટી બસ સ્ટેન્ડનો રૂટ માત્ર સરકારી એસટી બસ માટે રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.