ઉત્તરપ્રદેશના બાંદા જીલ્લા માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના રામ જાનકી મંદિરના પૂજારીએ બાંદા એસડીએમ પરભગવાન શ્રી રામનું આધારકાર્ડ માંગ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. મંદિર પરિસરમાં ઉગેલા ઘઉં વહેચવા ગયેલા પુજારી પાસે એસડીએમએ રામ ભગવાનનું આધાર કાર્ડ હોય તો ઘઉંની ખરીદી કરશું તેવું કહેતા વિવાદ વકર્યો છે.
બાંદા જિલ્લા ખાતે આવેલા રામ જાનકી મંદિરના એક પુજારીએ કથિત રીતે પ્રશાસન પર ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવાનો આરોપ લગાવ્યો છે. પુજારીના કહેવા પ્રમાણે અતર્રા એસડીએમ સૌરભ શુક્લાએ મંદિર પરિસરમાં ઉગેલા ઘઉંના પાકને સરકારી વેચાણ કેન્દ્રમાં વેચવા માટે શ્રી રામનું આધાર કાર્ડ માંગ્યું હતું. આધાર કાર્ડ ન દેખાડી શકવા પર ઈ-પોર્ટલ પરથી ઘઉંની ખરીદીનું વેરિફિકેશન રદ્દ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મુદ્દે અતર્રાના એસડીએમ સૌરભ શુક્લાનું કહેવું છે કે, તેમણે સરકારની વેચાણ નીતિનો હવાલો આપીને સરકારી વેચાણ કેન્દ્રમાં પાક ખરીદવા સંબંધી અસમર્થતા દર્શાવી હતી. તેમાં ભગવાનનું આધાર કાર્ડ લાવવાની વાત ક્યાંથી આવી એ તો પુજારી જ કહી શકે. આ સાથે જ તેમણે બની શકે આધાર કાર્ડની વાત તેમણે અન્ય સંદર્ભે કહી હોય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
ખુરહંડ ગામમાં રામ જાનકી મંદિરના નામે 40 વીઘા જમીનની રજિસ્ટ્રી નોંધાયેલ છે, જેમાં પુજારી રામકુમાર દાસ તમામ કામોની દેખરેખ રાખે છે. પુજારી રામકુમાર દાસ પાક વેચવા મંડી પહોંચ્યા ત્યારે અધિકારીઓએ તેનો પાક લેવાની ના પાડી દીધી હતી. જ્યારે તેમણે આ માટેનું કારણ પૂછ્યું ત્યારે કર્મચારીઓએ જણાવ્યું હતું કે એસડીએમ સૌરભકુમાર શુક્લાએ આદેશ આપ્યો છે કે આધારકાર્ડ વિના કોઈ પણ વ્યક્તિનો પાક નહીં ખરીદે. પરંતુ હવે મંદિરના પુજારી રામકુમાર દાસ એ વાતે પરેશાન છે કે, આખરે તેઓ આધાર કાર્ડ માટે ખેતરના માલિક એટલે કે ભગવાન શ્રી રામના ફિંગર પ્રિન્ટ વગેરે કેવી રીતે કરાવે.
સરકારની ડિજિટલ વેચાણ નીતિના કારણે સરકારી ખરીદ કેન્દ્રમાં ઘઉંનું વેચાણ ભલે સંભવ ન હોય પરંતુ ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.