જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં પ્રૌઢ તેના ઘરે બાથરૂમની બાજુમાં પડી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરની ખોડિયાર કોલોનીમાં રહેતાં વૃદ્ધને કેન્સરનું ઓપરેશન કરાવ્યા બાદ તબિયત લથડતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ બિહાર રાજ્યના મુઝફરપુર જિલ્લાના ભેલાઈપુર ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં રાજેન્દ્રરામ નાગારામ (ઉ.વ.54) નામના પ્રૌઢ ગત તા.16ના રોજ બપોરના સમયે તેના ઘરે બાથરૂમની બાજુમાં પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગત તા. 21 ના રોજ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાજકુમાર દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં દેવલ મોટર ગેરેજવાળી શેરીમાં રહેતાં નટવરલાલ વલ્લભદાસ કરોલીયા (ઉ.વ.70) નામના વૃધ્ધને મોઢાનું કેન્સર થયું હતું અને તેનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધની તબિયત લથડતા તેના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રવિભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.