આ વર્ષે બજેટમાં સરકાર સામાન્ય અને ખાસ લોકોને મોટી રાહત આપી શકે છે. તેમાં કોરોના સંકટમાં વીમાના મહત્વને ધ્યાનમાં રાખીને તેના પર છૂટ વધારવા પર પણ વિચાર થઇ શકે છે. આ બાબતો સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આવકવેરાની લીમીટ વધારવા અને કર સ્લેબમાં ફેરફારની માંગ ઉપરાંત કાયદાકીય વિવાદો ઘટાડવા અને નવી ફર્મોને કર દાયરામાં લાવવા બાબતે પણ વિચાર થઇ રહ્યો છે.
સૂત્રોનું કહેવું છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષમાં અર્થવ્યવસ્થા પર દબાણ વધ્યું છે. તેમાં આરોગ્ય પર ભાર મુકતા ગ્રાહકોએ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું શરૂ કરતા તેમના ગજવા પર બોજ વધ્યો છે તો કલેઇમ વધવાથી વીમા કંપનીઓ પર પણ ભારત વધ્યું છે. આના લીધે એવી આશા વ્યકત કરાઇ રહી છે કે સરકાર એવો નિર્ણય લેશે જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળે. નિષ્ણાંતોનું કહેવું છે કે જીવન વીમાને 80 સી માંથી બહાર કાઢવાથી તેની પહોંચ વધારે વધશે. ટેક્ષ સેવીંગ માટે અલગ કેટેગરી થવાથી લાઇફ ઇન્સ્યોરન્સની માંગ ઔર વધશે.બજેટમાં કરદાતાઓને રાહત આપવા માટે જીવન વીમાને નવી કેટેગરી બનાવીને આવકવેરાની કલમમાંથી બહાર મુકી શકાય છે. હાલમાં પીપીએફ, ઇપીએફ જેવી નાની બચતો અને હોમ લોનની મુળ રકમની સાથે જીવન વીમાનું પ્રીમીયમ આવકવેરાની કલમ 80 સીમાં કવર થાય છે. પણ આ બધાની મહત્તમ મર્યાદા દોઢ લાખ રૂપિયાની જ છે.