જામનગરના કમિશનર ગત મહિને બદલી થયા બાદ તેઓનો ચાર્જ કલેકટર ડો. પારઘીને સોંપાયો હતો. પરંતુ તેઓની પણ બદલી થઇ ગયા બાદ કમિશનરની ખુરશી ખાલી પડી હતી. કોઇ ઇન્ચાર્જ કમિશનર નહીં રહેતા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કાર્યકારી કમિશનર તરીકે જામનગરના નવનિયુક્ત કલેકટર બી.એ. શાહને ચાર્જ સોંપાયો છે.
રાજ્ય સરકાર દ્વારા ગત દિવસોમાં આઇએએસ અધિકારીઓની બદલીના સામુહીક ઓર્ડર કરાયા હતાં. તે પહેલા જ થોડા દિવસો પહેલા જામનગર મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીને સીધા સ્પીપાના ટ્યૂટર અધિકારી તરીકે મૂકી દેવાતાં કલેકટરને ચાર્જ સોંપાયો હતો. જે વેળાએ કમિશનરની બદલી પાછળ શું કારણ હશે.? તેના તર્ક-વિતર્કની ચર્ચા વ્યાપી હતી. બાદમાં કમિશનરના ચાર્જમાં રહેલા કલેકટર ડો. પારઘીની પણ બદલી થઇ હતી. તેના સ્થાને સિનિયર આઇએએસ બી.એ. શાહ આવ્યા હતાં. પરંતુ મ્યુ. કમિશનર તરીકે જગ્યા હજૂ પણ ખાલી પડી છે. ત્યારે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડીને રાજ્યની ખાલી રહેલી 14 જગ્યાઓના ચાર્જ જે-જે આઇએએસ અધિકારીઓને આપવાના હુકમો થયા છે. તે મુજબ જામનગર જિલ્લા કલેટકર બી.એ. શાહ નવો હુકમ ન થાય ત્યાં સુધી કાર્યકારી કમિશનર તરીકે રહેશે.