ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં રહેતા યુવાનની હત્યાના બનાવમાં એલસીબીની ટીમે એક શખ્સને દબોચી લઇ પૂછપછર કરતા બન્ને વચ્ચે બોલાચાલી થવાથી ઉશ્કેરાઈને ધોકા વડે માથામાં હુમલો કરી હત્યા નિપજાવી નાશી ગયાની કેફિયત આપી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ગત તા.3 ના મંગળવારના રોજ ધનજીભાઈ દામજીભાઈ જોગલ (ઉ.વ.42) નામના યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ માથામાં તથા શરીરે હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. મૃતકના ભાઈ મુકેશ દ્વારા બનાવ અંગે જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, હરદીપ ધાંધલ અને યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપૂરનો વતની અને હાલ લતીપરમાં રહેતો સુરેન્દ્રસિંગ ઉર્ફે બંટી ગજા મોહનિયા નામનો શખ્સ બે દિવસથી ગામમાં આવ્યો ન હતો અને તેના ઉપર શંકા જતા એલસીબીની ટીમે વોચ રાખી હતી. દરમિયાન સુરેન્દ્રસિંગ ગામમાં આવતા પોલીસે અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરતા સુરેન્દ્રસિંગ અને ધનજીભાઈ વચ્ચે ગત તા.3 ના રોજ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થતા ઉશ્કેરાયેલા સુરેન્દ્રસિંગે ધોકા વડે ધનજીના માથા ઉપર જીવલેણ ઘા કરી હત્યા નિપજાવી નાશી ગયો હતો.
એલસીબીની ટીમે સુરેન્દ્રસિંગની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી અને ધ્રોલ પોલીસને સોંપી દેવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લતીપુર ગામના યુવાનની હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો
મિત્રએ બોલાચાલી બાદ મિત્રનું ઢીમ ઢાળી દીધું : એલસીબીએ દબોચી લીધો