ધી જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક લી.ની 38 મી વાર્ષિક સામાન્ય સભા વર્ષ 2020-21 માટે તા.19ના રોજ બેન્કના ચેરમેન પ્રમોદભાઈ કોઠારીના અધ્યક્ષસ્થાને લોહાણા મહાજન વાડી, (ધામેચા વીંગ) જામનગર ખાતે યોજાઈ હતી. વાર્ષિક સામાન્ય સભાની કામગીરી શરૂ કર્યા પહેલાં ગત વર્ષમાં બેંકના ડીરેકટર ભગવાનજીભાઈ પટેલના અવસાનની નોંધ લઇ બે મિનિટનું મૌન રાખી સદગતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
ચેરમેન પ્રમોદભાઇ. કોઠારીએ બેન્કના સભાસદોને આવકારતા બેન્કની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. વર્ષ 2020-21 નો કુલ નફો રૂા.21,43,732-52 પૈસાનો થયો છે. વર્ષાન્તે બેન્કનું કુલ ગ્રોસ એનપીએ રૂા.23.83 લાખ રહ્યું છે. જે કુલ ધિરાણના 0.57 ટકા છે. જેની સામે બેન્કે કરેલ શંકમંદ લેણાની જોગવાઈ રૂા.32.28 લાખ છે. આમ બેંકનું નેટ એનપીએ ઝીરો છે. બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને આરટીજીએસ, એનઇએફટી, ઈ-ટેકસ પેમેન્ટ, એસએમએસ એલર્ટ, ઈમેઈલ દ્વારા પોતાના ખાતાના સ્ટેટમેન્ટ મેળવવા ઈચ્છતા ગ્રાહકોને આવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વિવિધ પ્રકારની થાપણ માટેની યોજનાઓ જેવી કે, દૈનિક બચત યોજના, ઝીરો બેલેન્સથી બુનિયાદી બચત ખાતા, બાંધી મુદતના ખાતાઓ વિગેરે તેમજ વિવિધ ધિરાણની સવલતો ગ્રાહકોને વ્યાજબી દરે પૂરી પાડવામાં આવે છે. નાના તથા નબળા વર્ગના વેપારી ભાઈઓને તેમના ધંધાર્થે રૂા.50 હજાર સુધીનું ધિરાણ કોઇપણ જાતની સિકયોરિટી વગર બે જામીન લઇને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે તથા આ વીમાઓ નિયમિત રીતે રીન્યુ થાય છે. બેંકે ઓડીટ વર્ગ ‘એ’ જાળવી રાખેલ છે. બેંકના થાપણદારોની રૂા.5 લાખ સુધી થાપણો વિમાથી સુરક્ષિત છે.
બેન્કના ચેરમેન પ્રમોદભાઈ કોઠારીએ જણાવ્યુ હતું કે, અમારી બેંકનું પરમ લક્ષ્ય ગ્રાહક સેવા છે. અંતમાં બેંકના મેનેજીંગ ડીરેકટર વિનુભાઈ જી. તન્નાએ સભાસદો, બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો, બેન્કના અધિકારીગણો તથા સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો. વાર્ષિક સાધારણ સભાનું સફળ સંચાલન બેંકના સીઈઓ અતુલભાઇ શાહે કર્યુ હતું.
ધી જામનગર પીપલ્સ કો.ઓપ. બેંકની વાર્ષિક સામાન્ય સભા
ચેરમેન પ્રમોદભાઇ કોઠારીએ બેંકની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો