પશ્ચિમ બંગાળમાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં જામનગર ભાજપા મહિલા મોરચા દ્વારા જામનગરમાં મૌન કેન્ડલ માર્ચ યોજી હતી અને આ ઘટનાની સખ્ત નિંદા કરી તાત્કાલિક કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આ તકે ધારાસભ્ય સહિતના મહિલા હોદેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પશ્ર્ચિમ બંગાળના કલકતામાં આરજીકર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે એક મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ અને હત્યાની ગંભીર ઘટના બની હતી જેને લઇ સમગ્ર દેશમાં રોષની લાગણી છવાઈ છે ત્યારે આ ઘટનાના વિરોધમાં જામનગર શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા પણ જામનગર ખાતે મૌન કેન્ડલ માર્ચ યોજી હતી. જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતેથી આ કેન્ડલ માર્ચ શરૂ થઈ લાલબંગલા ખાતે પહોંચી હતી. ભાજપા મહિલા કાર્યકરો દ્વારા મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ પશ્ચિમ બંગાળ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ મૌન રેલીમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગીયા, મહામંત્રી રેખાબેન વેગડ સહિતના હોદેદારો-અગ્રણીઓ-કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતાં.