આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગર સહિત હાલારના શિવાલયોમાં વ્હેલી સવારથી જ હર-હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવભક્તો ભોળાનાથને રિઝવવા અધિરા બન્યા હતાં અને વ્હેલી સવારથી જ શિવાલયોમાં લાંબી લાઇનો લાગી હતી.
છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે. ગઇકાલે પવિત્ર પુરષોતમ માસની પુર્ણાહુતિ થઇ છે અને આજથી શિવભક્તિનો મહાઉત્સવ એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજથી એક માસ સુધી છોટીકાશી એવું જામનગર શહેર મહાદેવના રંગે રંગાશે. શિવાલયોમાં એક માસ સુધી મહાઆરતી, શ્રૃંગાર સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
જામનગર શહેરના સિધ્ધનાથ મહાદેવ મંદિર, કાશિ વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, ભીડભંજન, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર, રામેશ્ર્વર મહાદેવ મંદિર, હાટકેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના-મોટા શિવાલયોમાં રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. જે શિવાલયો રાત્રીના સમયે રોશનીથી ઝળહળી ઉઠતાં જોવા મળ્યા હતાં. શ્રાવણ માસને લઇ શિવાલયોમાં અનેક વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. બિલ્વી પૂજા, જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ લઘુરૂદ્રી સહિતના અનેકવિધ આયોજનો શિવાલયોમાં થશે. શિવભક્તોનો હર-હર મહાદેવનો નાદ એક માસ સુધી ગુંજતો જોવા મળશે. શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ વ્હેલી સવારથી શિવાલયોમાં શિવભક્તોની લાંબી કતારો લાગી હતી. આ ઉપરાંત શ્રાવણી સોમવારે પણ શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામશે. આમ આજથી એક માસ સુધી જામનગર સહિત હાલાર પંથક શિવમય બનેલું જોવા મળશે.