દરેડના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં એક આરોપી સ્ટુન્ડટની કોસિંગ પિટીશનમાં એફઆઇઆર, ચાર્જશીટ તથા ટ્રાયલ સામે ગુજરાત હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.
જામનગર નજીક દરેડના સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી ન્યુ દરેડ નોન ટ્રેડીંગ કોર્પોરેશનના નામથી જમીનના લે-આઉટ પ્લાન્ટ અને નકશા બનાવી કુલ 179 સબ પ્લોટ પાડી તેનું રૂા. 100ના સ્ટેમ્પ પેપર ઉપર ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં આરોપીઓ સામે નવા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેમાં 61 જેટલાં આરોપીઓને નાસતા-ફરતાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ નાસતા-ફરતા આરોપીઓમાં પારસ ઉર્ફે અર્જુન ધીરજભાઇ ભુસાનું નામ પણ ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યું છે. આ છાત્રને લેન્ડ ગ્રેબીંગના અપરાધ સાથે કોઇ લેવા-દેવા ન હોવા છતાં ચાર્જશીટમાં તેનું નામ આવતાં વિદ્યાર્થી પારસે પોતાના વકીલ રાજેશ ડી. ગોસાઇ, પ્રેમલ એસ. રાચ્છ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ તથા રજનીકાંત આર. નાખવા મારફત ગુજરાત હાઇકોર્ટમાં કોસિંગ પિટિશન દાખલ કરી પોતાની સામે કરવામાં આવેલી એફઆઇઆર, ચાર્જશીટ તથા ટ્રાયલ રદ્ કરવાની માગણી કરવામાં આવી હતી. આ પિટિશનની સુનાવણી દરમિયાન આરોપી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં પોતે અભ્યાસુ વ્યક્તિ છે અને પોતાની બચત મૂડી રોકીને મિલકત વસાવી હોવાનું જણાવ્યું છે. હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અને દસ્તાવેજોને ધ્યાને લઇ અદાલતે આરોપી પારસ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવા પોલીસને હુકમ કર્યો હતો.