રાજકોટમાં આજે એક યુવતીને મોંઘી કારમાંથી સનરૂફ ખોલી બહાર ઉભું રહેવું ભારે પડી ગયું હતું. વિગત મુજબ રાજકોટની એક યુવતી તેની કારના સનરૂફમાંથી બહાર ઉભી હતી અને અચાનક નાલા સાથે તેણીનું માથું ટકરાતા ગંભીર ઈજાઓ પહોચી હતી. તે જ સમયે રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે તરત પોતાની કાર ઉભી રાખી હતી અને તરતજ યુવતીને પોતાની કારમાં બેસાડી 108ની ગતિએ હોસ્પિટલ પહોચાડી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ યુવતીને માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને હાલ તેની તબિયત સારી છે.
ઘટના બનતા યુવતીનો પરિવાર ગભરાઈ ગયો હતો પરંતુ મેયર ડૉ. પ્રદીપ ડવે શહેરના પ્રથમ નાગરિક હોવાની ફરજ નિભાવી યુવતીની મદદ કરી હતી અને ત્યારબાદ યુવતીના પરિવારે મેયરનો આભાર માન્યો હતો.
આ સાથે યુવતીના પિતાએ પણ અન્ય વાલીઓને વિનંતી કરી હતી કે તેઓ આવીરીતે બાળકોને ગાડીના સનરૂફની બહાર ઉભા ન રહેવા દે જેથી જે ઘટના તેમની સાથે બની છે તે બીજા સાથે ન બને.