ગુજરાતમાં એક યા બીજા કારણોસર છેલ્લા 12 વર્ષથી શકય નહીં બનેલો જંત્રીદર સુધારો હવે લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બહુમતીથી જીતેલી ભાજપ સરકારે મહેસુલી આવક વધારવા માર્કેટ અને સરકારી મૂલ્યને તર્ક સંગત બનાવવા આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારણા શરૂ કરી છે.
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 156 બેઠકોના ભવ્ય વિજય સાથે સરકાર બનાવ્યા બાદ હવે મક્કમ અને નિર્ણાયક નિર્ણયો લઈ ગુજરાત રાજ્યને બુલેટ ટ્રેનની ગતિએ આગળ ધપાવા માગે છે અને તે જ કારણોસર હવે રાજ્ય સરકાર દસ વર્ષ બાદ જંત્રી દરમાં વધારો કરવાનું વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં રાજ્યના મહાનગરો અને નગરોમાં પૂર ઝડપે વિકાસ થયો છે. રીયલ એસ્ટટ માર્કેટ પણ ખૂબ વિકસ્યુ છે તેમ છતાં હજુ પણ વર્ષ 2011 ના જંત્રી પ્રમાણે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક થાય છે. જંત્રી દર નહીં વધવાના પરિણામે રાજ્ય સરકારને ખૂબ મોટું મહેસુલી આવકમાં નુકસાન થાય છે તો બીજી વાત એ પણ છે કે, જમીનનો બજારભાવ એ ઊંચો હોય છે અને જંત્રી ભાવએ નીચો રહેવાના પરિણામે રાજ્ય સરકાર દ્વારા મહત્વના પ્રોજેક્ટોમાં જમીન સંપાદનને લઈ અનેક પ્રશ્નો સામે આવે છે. જેના પરિણામે વિકાસલક્ષી પ્રોજેક્ટ ખોરંભે ચડે છે. આ તમામ મુદ્દાઓનું સમાધાન માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આગામી બજેટ સત્ર દરમિયાન જંત્રી ભાવની અંદર ફેરફાર કરે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે.કોઈપણ મિલકતની લે-વેચ માટે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે અને તે સરકાર દ્વારા નક્કી કરાયેલી જંત્રીના દરના આધારે નક્કી થાય છે એટલે સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરાય તો, સ્ટેમ્પ ડ્યૂટીની આવક વધી શકે છે. રાજ્યમાં મિલકતોના ભાવ નક્કી કરતી જંત્રીના દરમાં 2008ના વર્ષમાં વધારો કરાયો હતો અને ત્યારબાદ 2011માં તેમાં સુધારો કરાયો હતો. જેને હવે 10 વર્ષ થઈ ગયા છે અને ત્યારબાદ રાજ્યભરમાં સારો એવો વિકાસ થયો છે. જંત્રીના ભાવમાં વધારો કરાય તો તેનો લાભ રાજ્ય સરકારને મળી શકે છે. રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં પોતાના બજેટનું કદ ખૂબ વધારી રહી છે, ત્યારે મહેસુલ ખર્ચ અને આવક વધવી એ સ્વાભાવિક છે અને તે જ કારણોસર મહેસુલ આવક વધારવા જંત્રીમાં વધારો કરવો જરૂરી છે. સૂત્રો કહે છે કે, હાલને તબક્કે જંત્રીના દરમાં વધારો કરવાની તમામ બાબતો નક્કી થઈ ગઈ છે પરંતુ યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી સાથે પણ ચર્ચાઓ પૂરી થઈ છે.