ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયાનું ખારૂં પાણી શુધ્ધ કરીને ઉદ્યોગો તેમજ પીવા માટે તૈયાર કરતા ડિસેલિનેશન પ્લાન્ટના વિવિધ પ્રોજેકટનો રિવ્યું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને જામનગરના જોડિયામાં જે પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પ્રગતિ કેમ અટકી ગઇ છે તેની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
રાજયમાં હાલ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 70 ટકાથી વધુ વિસ્તારોને નર્મદા યોજનાનું પાણી પુરૂં પાડવામાં આવે છે પરંતુ કઠીન પરિસ્થિતિમાં જો નર્મદાના પાણી પહોંચી શકે નહીં તો તેવા સમયે પાણીનો બીજો મજબૂત સ્ત્રોત ઉભો કરવાની યોજનાના ભાગરૂપે 2018માં એક કંપનીને જામનગરના જોડિયામાં 800 કરોડના ખર્ચે ડિસેલિનેશન પ્લાન્ટ નાંખવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તેના પ્રોજેકટમાં કોઇ પ્રોગ્રેસ જોવા મળ્યો નથી.
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માર્ચ2019માં આ પ્રોજેકટની મુલાકાત લઇ એવું જાહેર કર્યું હતું કે, આ પ્લાન્ટમાં પ્રતિદિન 10 કરોડ લીટર પાણી શુધ્ધ કરી તેને મોરબી, જામનગર અને રાજકોટને અપાશે પરંતુ સ્થાનિક ધારાસભ્યએ એવો આરોપ મૂકયો હતો કે આ પ્લાન્ટમાં ત્રણ વર્ષથી કોઇ પ્રગતિ જોવા મળતી નથી. હવે આ પ્રોજેકટ સહિત બીજા ઉભા થનારા ડિસેલિનેશન પ્લાન્ટ પ્રોજેકટને ભૂપેન્દ્ર પટેલની સરકારે રિવ્યુમાં મૂકી તેની વિગતો મંગાવી છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું, કે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા થઇ શકે તેમ છે. પરંતુ જોડિયાનો પ્લાન્ટ સફળ થયા પછી સરકારે બીજા પ્લાન્ટ માટે આગળ વધવાનું નકકી કર્યું હતું. હવે જોડિયાના પ્લાન્ટ અંગેની સમીક્ષા કરવામાં આવી શકે છે. રાજય સરકાર માંડવી, દ્વારકા, ગીર સોમનાથ, ધોધા, દહેજ,ભાવનગર અને મુન્દ્રામાં પણ ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કરવા માગે છે.