ઈન્ટરનેટ મીડિયા દ્વારા ભારત વિરોધી એજન્ડા ચલાવનારાઓ સામે સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. આ કારણે ભારત સરકારે રાષ્ટ્ર વિરોધી પ્રચાર ફેલાવતી 20 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે બે વેબસાઈટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. IT એક્ટમાં તાજેતરમાં સામેલ કરાયેલી માર્ગદર્શિકાના આધારે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના દ્વારા પાકિસ્તાન ભારતમાં ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવતું હતું. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ માટે યુટ્યુબને લેખિતમાં આદેશ જારી કર્યો છે.
I&B સેક્રેટરી અપૂર્વ ચંદ્રાએ યુટ્યુબ અને ટેલિકોમ વિભાગને પત્ર લખીને તેમને તાત્કાલિક બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રચાર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો હતો. આમાં ‘નયા પાકિસ્તાન’ નામની યુટ્યુબ ચેનલ ચલાવવામાં આવી રહી હતી, જેના યુટ્યુબ પર 20 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેનલ કાશ્મીર, કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ અને અયોધ્યા જેવા મુદ્દાઓ પર “ખોટા સમાચાર” ચલાવી રહી હતી.પ્રતિબંધિત ચેનલો માંથી નયા પાકિસ્તાન જૂથ યુટ્યુબ પર 15 થી વધુ ચેનલો ચલાવે છે. આ ઉપરાંતની અન્યમાં ધ નેકેડ ટ્રુથ, જુનૈદ હલીમ ઓફિશિયલ અને 48 ન્યૂઝનો સમાવેશ થાય છે.
સંપૂર્ણ તપાસ અને નક્કર પુરાવા એકઠા કર્યા પછી જ સરકારે તેમની સામે પગલાં લેવાનું નક્કી કર્યું. સુરક્ષા એજન્સીઓએ પહેલા આ સામગ્રી વિશે માહિતી આપી, ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે તપાસ કરી હતી તેના આધારે નિણર્ય લેવામાં આવ્યો છે. આ ચેનલોના પરિણામે રાષ્ટ્રીયસુરક્ષા પર ભારે અસર થતી હતી.