જામનગર તાલુકાના દોઢીયા ગામમાં ખોજા બેરાજા રોડ પર રહેતાં યુવાન તેના પરિવાર સાથે લગ્ન પ્રસંગે ગયા હતાં ત્યારે પાછળથી તસ્કરોએ મકાનમાં પ્રવેશી લોખંડના કબાટનો દરવાજો કોઇ સાધન વડે ખોલી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા.1,52,500 ની માલમતા ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી ઘરફોડ ચોરી, હુમલા, હત્યા, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લાં એક માસથી ઘરફોડ ચોરીની વારદાતો વધી ગઈ છે. જો કે, પોલીસ ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલે છે પરંતુ ચોરીના બનાવો બનતા અટકતા નથી તેવામાં જામનગર તાલુકાના દોઢીયા ગામમાં ખોજા બેરાજા રોડ પર રહેતાં રાહુલભાઈ સોમાભાઈ ઠોઠીયા નામનો યુવાન તેના પરિવાર સાથે ઘરને તાડુ મારી તા.14 થી તા.15 સુધી બહાર ગામ ગયા હતાં. આ સમય દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી દરવાજા તોડી રૂમમાં પ્રવેશ કરી લોખંડના કબાટનો દરવાજો કોઇ સાધન વડે બળજબરીપૂર્વક ખોલી કબાટમાં રાખેલા રૂા.62,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.90 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં.
બનાવની જાણ થતા પીએસઆઇ વાય.બી. રાણા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.