જામનગર શહેરમાં આગામી ચોમાસાની સીઝનને અનુલક્ષીને ભયજનક ઇમારતો દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની છે, અને ખીજડા મંદિર વિસ્તારમાં આવેલી એક મોટી જર્જરીત બની ગયેલી દીવાલને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના એસ્ટ અધિકારી નીતિનભાઈ દીક્ષિત, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ સહિતના અધિકારીઓની ટીમ 14 જેટલા અન્ય સ્ટાફ ની ટીમ સાથે ખીજડા મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા, અને 18 ફૂટ હાઈટ વાળી અને 30 ફૂટ લંબાઈની અતિ જર્જરીત દીવાલ કે જેમાંથી બેલા ઉખડીને વારંવાર પડી રહ્યા હતા, જે દીવાલને આજે જમીન દોસ્ત કરી દેવામાં આવી છે. ઉપરોક્ત વિસ્તારમાં રહેણાંક મકાનો તેમજ દુકાનો આવેલી છે, અને સતત લોકોની અવરજવર વાળા આ વિસ્તારમાં આજે વહેલી સવારે ડિમોલિશનની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના પોલ અને વાયર વગેરે પણ આવેલા હોવાથી લાઈટ શાખાની ટીમને પણ સાથે રાખીને વાયરો વગેરે દુર કરવાની જરૂરી કાર્યવાહી સૌપ્રથમ હાથ ધરી લેવામાં આવી હતી.