દેશમાં ધીમી ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2593 કેસ નોંધાયા છે. જે આગળના દિવસે નોંધાયેલા કેસ કરતાં 66 વધુ છે. માત્ર કોવિડ સંક્રમણમાં જ નહી પરંતુ કોવિડથી થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 44 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હાલ 15હજારથી વધુ એક્ટીવ કેસ છે.
ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બુધવારે બેઠક બોલાવી છે. જેમાં કોરોનાની પરિસ્થિતિને કાબુમાં લેવા અંગે ચર્ચાઓ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પરિસ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરશે. કેન્દ્રીય સ્વસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા દેશની કોવિડ પરિસ્થિતિને લઇને પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના 1000થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે. ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર છે. કારણકે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દી સાજા થયા છે. રાજ્યમાં હાલ 103 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી