કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહેતા વૃદ્ધ ખેતીકામ કરતા હતાં તે દરમિયાન બળદ ભડકતા બાંધેલ દોરડાને પકડવા જતા બળદ દોડીને કુવામાં ખાબકતા તેની પાછળ વૃદ્ધ પણ કૂવામાં પડી ગયા હતાં જેના કારણે વૃદ્ધ અને તેના બળદનું મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતા બીમાર પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સોરઠા ગામની સીમમાં રહેતા અને ખેતી કરતા છગનભાઈ પાચાભાઈ ઉર્ફે બચુભાઈ રોરિયા (ઉ.વ.60) નામના વૃધ્ધ તેના ખેતરમાં ખેતીકામ કરતા હતાં તે દરમિયાન એકાએક બળદ ભડકતા દોરડાને પકડવા જતા બળદ દોડીને કૂવામાં ખાબકયો હતો. બળદને બચાવવા જતાં વૃદ્ધ પણ સાથે સાથે કૂવામાં ખાબકયા હતાં. બનાવની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને કૂવામાંથી વૃધ્ધ અને બળદને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, કમનસીબે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પોલીસમાં જાણ કરતા હેકો વી. વી. છૈયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતાં લતીફભાઈ ઈસ્માઈલભાઈ ખીરા (ઉ.વ.55) નામના બીમાર પ્રૌઢને ગત તા.12 ના રોજ ગુરુવારે બપોરના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સોમવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુસ્તફા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બળદને બચાવવા જતા કૂવામાં ખાબકેલા વૃદ્ધનું મોત
કાલાવડ તાલુકાના સોરઠા ગામનો બનાવ: બાંધેલા દોરડા સાથે ભડકેલો બળદ કૂવામાં ખાબકયો: ફાયરના જવાનો દ્વારા વૃદ્ધને કૂવામંથી બહાર કઢાયા : મસીતિયાના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત