જામનગર શહેરના મોહનનગર આવાસમાં રહેતાં સગીર વિદ્યાર્થીનું તેના જ મિત્ર દ્વારા અપહરણ કરી હત્યા કરવાના કેસમાં આરોપીઓને કડક સજા કરી મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ દરજી સમાજ જામનગર દ્વારા એસપી કચેરી ખાતે પરિવારજનોને સાથે રાખી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મોહનનગર આવાસમાં રહેતાં સ્વ. હાર્દિકભાઈ ગોપાલભાઇ પીઠડિયાનું તેના જ બે ખાસ મિત્રો દ્વારા અપહરણ કરી તેની હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારે સોમવારે સ્વ. હાર્દિકભાઈ પીઠડિયાનું ઉઠમણું યોજાયું હતું. ઉઠમણા બાદ મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ દરજી સમાજ જામનગર દ્વારા રેલી યોજી મૃતક યુવાનના પરિવારજનોને સાથે રાખી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મૃતક યુવાનને ન્યાય અપાવી આરોપીઓને કડક સજા કરવા માંગણી કરવામાં આવી હતી.
આ તકે મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ દરજી સમાજના પ્રમુખ મયુરભાઈ ટંકારીયા સહિતના જ્ઞાતિના આગેવાનો તેમજ મૃતક યુવાનના પિતા સહિતના પરિવારજનો તેમજ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.