જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અબોલ પશુઓનો અસહ્ય ત્રાસના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે. તેમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અબોલ પશુઓ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ પણ બની ગઇ છે. ઉપરાંત અકસ્માતના બનાવમાં શહેરીજનોને ભોગ લેવાઇ છે. ત્યારે લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલા ઢોરવાડામાં ફરજ બજાવતા કર્મચારી ઘાસચારો નાખતો હતો તે દરમિયાન બાખડતા બે ખુંટીયાઓ પૈકીના એક ખુટીયાએ બે થી ત્રણ ઢીક મારતા યુવાનનું મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં વર્ષોથી અબોલ પશુઓનો ત્રાસ અવિરત રહ્યો છે. આ ત્રાસ ડામવામાં તંત્ર વામણુ પૂરવાર થાય છે. જિલ્લામાં ઠેક ઠેકાણે રખડતા ભટકતા અબોલ પશુઓના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી જાય છે. ઉપરાંત અમુક વિસ્તારોમાં તો એટલી પરિસ્થિતિ વણસી ગઈ છે કે પશુઓ દ્વારા હુમલાની ઘટનાઓ વધી ગઇ છે અને આ હુમલાઓમાં ભોગ બનનાર શહેરીજનોને લોહી લુહાણ કરી દેવામાં આવે છે અને અમુક બનાવોમાં તો મોત નિપજ્યાની ઘટનાઓ પણ બની ગઇ છે. દરમિયાન લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલા ઢોરવાડામાં ફરજ બજાવતો અને મધ્યપ્રદેશના રતલામ જીલ્લાના ખાંખરખેડા ગામનો વતની નેપાલભાઈ ભવરલાલ નાયક (ઉ.વ.31) નામનો યુવાન ગુરૂવારે સવારના સમયે ઢોરવાડામાં પશુઓને ઘાસચારો નાખતો હતો તે દરમિયાન બાખડી રહેલા બે ખુંટીઓ પૈકીના એક ખુંટીયાએ ઢોરવાડાના કર્મચારી ઉપર હુમલો કરી બે થી ત્રણ ઢીંક મારી પછાડી દેતા નેપાલભાઈને શરીરે તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ચૈત્રારામ બીજારામ દેવાસી દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટો મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.