ભાણવડની વીજ કચેરીમાં ફરજ બજાવતા એક નાયબ ઇજનેરને આશરે વીસ વર્ષ પૂર્વે વચેટિયા મારફતે ચાર હજારની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે નાયબ ઈજનેર તથા વચેટિયા એવા એક દુકાનદારને જેલ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની એસીબી સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ આજથી આશરે વીસ વર્ષ પૂર્વે ભાણવડ પંથકમાં રહેતા એક દુકાનદારને ત્યાં ચેકિંગ કાર્યવાહી કરી અને જે તે સમયે ભાણવડની જીઈબી કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ ઠાકોરભાઈ પટેલ આ દુકાનદારનું ઈલેક્ટ્રીક મીટર કાઢી ગયા બાદ આ મીટર પુન: લગાડી આપવા અને કેસ ફાઈલે કરવા રૂપિયા પાંચ હજારની માગણી કરી હતી. રકઝકના અંતે આ સોદો ચાર હજારમાં નક્કી થયો હતો. આથી ભાણવડના જાગૃત દુકાનદારે આ સમગ્ર બાબતે એસીબી વિભાગને માહિતગાર કર્યા હતા. આ સંદર્ભે એસીબીએ લાંચનું છટકું ગોઠવી, અને કાર્યપાલક ઈજનેર સાથે ફોન પર વાત કરી ચાર હજારની લાંચની રકમ ભાણવડમાં દુકાન ધરાવતા બળવંતભાઈ કાનજીભાઈ પોપટની દુકાને આપી દેવા જણાવ્યું હતું. આથી એસીબી સ્ટાફે નાયબ ઇજનેર વતી લાંચની રકમ સ્વીકારતા દુકાનદારને રંગેહાથ દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયામાં બીજા એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ની કોર્ટમાં કેસ ચાલી જતા સરકાર તરફે એડવોકેટ એલ.આર. ચાવડા દ્વારા વિવિધ પ્રકારની દલીલો રજૂ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ અદાલતે નાયબ ઈજનેર કલ્પેશભાઈ ઠાકોરભાઈ પટેલને બે વર્ષની સાદી કેદ તથા સાત હજારનો દંડ ઉપરાંત તેમના વતી લાંચ સ્વીકારનાર દુકાનદાર બળવંતભાઈ કાનજીભાઈ પોપટને પણ એક વર્ષની સાદી કેદ તથા બે હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી તેમની ફરજમાં આવતા સરકારી કામ માટે લાંચની માગણી કરે તો તેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર 1064 અથવા ફોન નંબર 079-22866722 કે વોટ્સએપ નંબર 90999 11055 પર માહિતગાર કરે તેવી અપીલ એસીબી દ્વારા કરવામાં આવી છે.
ઝડપાયેલા નાયબ ઈજનેરને સજા ફટકારતી ખંભાળિયાની અદાલત
વચેટિયાને પણ એક વર્ષની કેદની સજા તથા દંડ