જામનગર મહાનગરપાલિકામાં આઉટ સોર્સિંગ મારફત કોન્ટ્રાકટ બેઇઝથી કામ કરતાં કર્મચારીઓને અનિયમિત પગાર અને પીએફ મુદ્ે વોર્ડ નં. 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા સતત બીજા દિવસે ધરણા યોજ્યા હતાં. તેમણે છેલ્લા બે મહિનાથી બાકી કર્મચારીઓના પગાર અને પીએફની રકમ જમા કરાવવા માગણી કરી છે.
જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝથી કામ કરતાં કર્મચારીઓને એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હોય, એજન્સીઓ સમયસર પગાર ચૂકવતી ન હોય તેમજ કર્મચારીઓના પીએફ પણ જમા કરવામાં આવતું ન હોય, જેને લઇ રચનાબેન નંદાણિયા દ્વારા અગાઉ પત્ર લખી રજૂઆત કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ગઇકાલે મેયરની ચેમ્બર બહાર ધરણા યોજ્યા હતાં. ત્યારબાદ આજે બીજા દિવસે કમિશનર ઓફિસ બહાર ધરણા યોજી જામ્યુકોમાં આઉટ સોસિર્ંગથી ફરજ બજાવતાં કર્મચારીઓને બે મહિનાનો પગાર ચૂકવવા અને પીએફ જમા કરાવવા માગણી કરાઇ છે. તેમજ જ્યાં સુધી કર્મચારીઓનો પૂરો પગાર અને પીએફ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી એકપણ એજન્સીની ડિપોઝિટ પાછી ન આપવા પણ માગણી કરવામાં આવી છે.
કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કમિશનર તથા સ્ટે. ચેરમેનને સંબોધીને નાયબ કમિશનર ભાવેશભાઇ જાની તથા અશોકભાઇ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોંગ્રેસ અગ્રણી આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ સહિતના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.


