દ્વારકામાં મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસ મામલે ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપનાં આગેવાન ભરત પંડ્યા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તલગાજરડા આવી પહોંચ્યા છે. જેથી સમગ્ર વિવાદનો અંત આવે તેવી શક્યતા છે. આ સાથે જ પબુભા માણેક પણ તલગાજરડા પહોંચે તેવી શક્યતા છે. જો કે સુત્રોના જણાવ્યા અનુસાર પબુભા સાંજ સુધી દ્વારકા થી નીકળ્યા નથી. બાપુને મળ્યા બાદ ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કાયદો કાયદાનું કામ કરશે. અમે અમારી લાગણી જ્યાં પહોંચાડવાની હશે ત્યાં પહોંચાડશું. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમે લાગણીથી બાપુને મળવા આવ્યા છીએ. પબુભા સામે જે પણ કાર્યવાહી કરવાની થતી હશે તે થશે.
મોરારીબાપુ પર હુમલાના નિષ્ફળ પ્રયાસની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હજુ શાંત પડવાનું નામ નથી લેતા. ત્યારે આ બનાવને પગલે તલગાજરડા ખાતે નામી-અનામી સંતો મહંતો મોરારિબાપુને મળવા પહોંચ્યા હતાં. વિવિધ સંતોએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં લીમડીના સંતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સાથો સાથ સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર ન થાય તેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે કથાકાર મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકો મોરારિબાપુ સામે રોષે ભરાયા છે. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. પરંતુ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ મોરારિબાપુના સમર્થનમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મારા તરફથી પ્રકરણ પુરૂ થઇ ગયું છે : મોરારી બાપુ
બીજી તરફ મોરારિબાપુએ વિવાદ મામલે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને પોતે માફી માગનારા અને આપનારા જણાવી કહ્યું હતું કે, હવે મારી તરફથી બધું પુર્ણ થઈ ગયું છે. તો પભુબા માણેક દ્વારા મોરારિબાપુએ હુમલાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આહીર સમાજ દ્વારા પભુબા માણેકને માફી માગવા માટે માગ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોની લાગણીઓ પણ દુભાઈ છે.
મોરારિબાપુએ આજે કહ્યું કે, -હું બે વખત માફી માંગી ચૂક્યો છું. મને કહેવામાં આવ્યું કે બાપુ તમે દ્વારકા આવી જાવ, એટલું હું દ્વારકા ગયો હતો. દ્વારકાધીશ મારા ઈષ્ટદેવ છે, હું ગયો હતો અને મારા તરફથી વાત પૂરી થાય છે. અમુક લોકો આવેદનપત્ર આપવા માંગે છે તે બાબતે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કોઈએ ઉશ્કેરાવું નહીં, મારો સ્વભાવ છે હું માફી માંગનારો અને માફી આપનારો છું, મારા તરફથી આ બધું પુરૂ થયું છે.