આજે સિવિલ સેવા દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલાં કાર્યક્રમના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસમાં સનદી અધિકારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જાહેર વહિવટમાં ઉચ્ચત્તમ ધોરણો સ્થાપિત કરવા બદલ 15 સિવિલ સેવા અધિકારીઓને પ્રધાનમંત્રી શ્રેષ્ઠતા ચંદ્રક એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ પીએમ ગતિશકિત, આયુષ્યમાન ભારત, હરઘર જલ જેવી પસંદગીની સરકારી યોજનાઓ હેઠળ ઉત્કૃષ્ઠ કાર્ય કરનારા આ અધિકારીઓને પુરસ્કૃત કર્યા હતા. ઉપરાંત શિક્ષા અભિયાને ‘પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડસ ફોર એકસલેન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2022’ પર કોફી ટેબલ બુકનું વિમોચન કર્યુ હતું.
આ તકે પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ વર્ષનું સિવિલ સર્વિસ ડે ખૂબજ મહત્વપૂર્ણ છે. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે દેશ આગામી રપ વર્ષના વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરવા ઝડપથી આગળ ધપી રહ્યો છે. તેમણે દેશના સનદી અધિકારીઓને નસીબદાર ગણાવ્યા હતા કે તેમને આ સમયગાળામાં દેશની સેવા કરવાની તક મળી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી બે દશકા યુવા અધિકારીઓની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ રહેવાની છે. છેલ્લા 9 વર્ષમાં દેશના ગરીબોને પણ સુશાસનનો વિશ્ર્વાસ મળ્યો છે. જેમાં અધિકારીની ભૂમિકા મહત્વની છે. કોરોના સંકટ છતાં આજે ભારત વિશ્ર્વની ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશના દરેક અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા આજે બદલાઇ ગઇ છે.