Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારપ્રમુખપદ માટે લાખોના ખર્ચનું નિવેદન કર્યા બાદ ભાજપ આગેવાને માગી માફી

પ્રમુખપદ માટે લાખોના ખર્ચનું નિવેદન કર્યા બાદ ભાજપ આગેવાને માગી માફી

તાલુકા પંચાયતના 11 સભ્યોએ નિવેદન કરનાર પૂર્વ પ્રમુખ સામે શિસ્તભંગના પગલાં લેવા કરી માંગ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી જુદી-જુદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનેક પંચાયતોમાં નવનિયુક્ત હોદ્દેદારો બિનહરીફ વરાયા છે. ભાજપના બિનહરીફ ચૂંટાયેલા નવનિયુક્ત હોદ્દેદારોના સત્કાર સમારંભ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ખંભાળિયા તાલુકા પંચાયતના નવા વારાયેલા પ્રમુખ સંદર્ભે અહીંના એક આગેવાન તથા પૂર્વ હોદ્દેદાર દ્વારા એક જાહેર કાર્યક્રમમાં આશ્ચર્યજનક અને સ્ફોટક વક્તવ્ય આપવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જો કે બાદમાં આગેવાન દ્વારા તેમના કથન અંગે માફી માંગવામાં આવ્યાનો વધુ એક વિડિયો પણ વાયરલ થયો છે

- Advertisement -

ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિદેવ દ્વારા ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં ખંભાળિયા તાલુકાના દેવરિયા ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરાયેલા આગેવાનને આવકાર સાથે વિવિધ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ પ્રમુખ પદ માટે તેમના દ્વારા 95 લાખ જેટલી રકમ ખર્ચવામાં આવી છે. આ સહિતની કેટલીક બાબતો ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિદેવ બહાદુરસિંહ વાઢેર દ્વારા કરવામાં આવી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. જો કે આ વીડિયોની પુષ્ટિ અમો કરતા નથી.

આ વિડીયો વાયરલ થયા બાદ ગઈકાલે સોશિયલ મીડિયા મારફતે મળેલા વધુ એક વીડિયોમાં ભાજપના અગ્રણી બહાદુરસિંહ વાઢેર દ્વારા આ કથન પોતાની ભૂલ ભરેલું હોવાનું જણાવાયું છે. ખંભાળિયા તાલુકા પંચાયતમાં સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા પ્રમુખ પદે બિનહરીફ વરાયા છે, ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે એમના દ્વારા ભાજપ, કોંગ્રેસ કે અપક્ષના એક પણ સભ્યને એક પણ રૂપિયો આપવામાં ન આવ્યો હોવાનું જણાવી, તેમના દ્વારા આ કથન અંગે ભુલ સ્વીકારીને આ વીડિયોમાં માફી માંગવામાં આવી હતી.

- Advertisement -

આ વિડીયો વાયરલ થતાં ખંભાળિયા તાલુકામાં સભ્ય તરીકે રહેલા કુલ 11 સદસ્યો દ્વારા સંયુક્ત સહીઓ સાથેનો એક પત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તથા મહામંત્રીઓને પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયા મુજબ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ 95 લાખ રૂપિયાથી તેઓએ બનાવ્યું હોવાના આ વિડીયોમાં તાલુકા પંચાયત પ્રમુખના જેઠ તથા બહાદુરસિંહ વાઢેર દ્વારા તેમના ગામ દેવરીયા ખાતે પાર્ટી શિસ્તને કોરાણે મૂકીને આપવામાં આવેલા વક્તવ્યમાં વર્તમાન સભ્યો અપમાનિત થયા હોવાનો સુર વ્યક્ત કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા સભ્યોનું સ્વમાન ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કરી, સમાજમાં અપમાનિત કરવામાં થયેલો અહેસાસ તેઓ કરી રહ્યા છે. આ મુદ્દે સંબંધિત હોદ્દેદારો, કાર્યકરો સામે શિસ્ત ભંગની નોટિસ આપી અને કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
આગામી દિવસોમાં સભ્યો દ્વારા પ્રમુખની અવગણના કરવામાં આવશે તેવી નોંધ સાથેના આ પત્રની નકલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સંગઠનના મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી, કેબિનેટ મંત્રી, સાંસદ વિગેરેને પણ મોકલવામાં આવી છે. હાલ વાયરલ થયેલા આ વિડીયો તથા પત્રએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો પ્રસરાવી દીધો છે. ત્યારે આ ગંભીર બાબતે પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે બાબતે પણ લોકોની મીટ મંડાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular