જામ્યુકોના આરોગ્ય વિભાગે હાથ ધરેલી તપાસમાં જામનગર શહેરમાં કેળા હાનિકારક કેમિકલથી પકાવવામાં આવતા ન હોવાનું બહાર આવતાં કેળાનો ઉપયોગ કરતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.
જામનગર શહેરમાં કેળા હાનિકારક કેમિકલથી પકાવવામાં આવે છે કે, કેમ તે અંગે જામ્યુકોના આરોગ્ય વિભાગની ટૂકડીઓ દ્વારા શહેરમાં જૂદી-જૂદી જગ્યાએ આવેલાં કેળાના ગોડાઉનની તપાસણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાકમાર્કેટ પાસે આવેલા 4 ગોડાઉન તેમજ હાપા અને 58 દિગ્વિજય પ્લોટના એક-એક ગોડાઉનમાં તપાસણી કરવામાં આવી હતી. પરંતુ એક પણ સ્થળેથી કેળા પકાવવા માટે હાનિકારક કેમિકલ મળી આવ્યું ન હતું જેથી આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો. જામનગરના ફૂડ સેફટી ઓફિસરે લોકોને આશ્ર્વાસન આપ્યું હતું કે, શહેરીજનો એ આ બાબતે કોઇ ડર રાખવાની જરૂર નથી. જો કોઇને શંકાસ્પદ વસ્તુ અથવા કેમિકલ જણાય તો તાત્કાલિક ફુડ શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.