સંખ્યાબંધ ઘરફોડો ચોરીઓ આચરી છેલ્લા 12 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો-ફરતો આરોપી આખરે સકંજામાં આવી ગયો છે. જામનગર પોલીસની ફર્લો સ્ક્વોડે 12 વર્ષથી ફરાર રહેલા ચોરીના આરોપીને પડધરી પાસેના દેડકદડ ગામના બસ સ્ટેશન પાસેથી દબોચી લઇ જામનગર પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો છે.
જામનગર પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2010માં નોંધાયેલી એક થી વધારે ઘરફોડ ચોરીના ગુનાઓની ફરિયાદમાં મુળ મધ્યપ્રદેશના સામળાકુંડ ગામનો સંડોવાયેલો નરશી ઉર્ફે નરસિંગ રામાભાઇ સાગડીયા છેલ્લા 12 વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર હતો. દરમિયાન આ આરોપી દેડકદડ ગામના બસ સ્ટેશન આસપાસ જોવા મળ્યો હોવાની બાતમીના આધારે સક્રિય થયેલી જામનગર પોલીસની ફર્લો સ્ક્વોડે તાત્કાલિક દોડી જઇ બસ સ્ટેશન પાસેથી આ શખ્સને દબોચી લીધો હતો. તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પંચ-બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે. આ શખ્સ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. ઉપરોક્ત કાર્યવાહી પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બલોચ તથા કોન્સ. મહિપાલ સાદીયા, ધર્મેન્દ્ર વૈશ્ર્ણવ, અરવિંદગીરી ગોસાઇ તથા એલસીબીના હેડ કોન્સ. નિર્મલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.