ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં આવેલા મફતિયા પરા ખાતે રહેતા નવસારી જિલ્લાના મૂળ રહીશ એવા એક માછીમાર યુવાનના ભાડાના બંધ મકાન પાસે રાખવામાં આવેલી રૂપિયા બે લાખની કિંમતની માછીમારી કરવા માટેની જાળ તથા રૂપિયા 28,500 ની કિંમતનું 300 લીટર ડીઝલ ચોરી થયાનો બનાવ તાજેતરમાં ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.
આ સંદર્ભે ઓખા મરીન પી.એસ.આઈ. ડી.એન. વાંઝાના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ઓખામાં એક મસ્જિદ પાસે રહેતા શબ્બીર જુસબ માકોડા નામના 22 વર્ષના શખ્સની અટકાયત કરી, આ શખ્સ દ્વારા પોતાના કબજામાં રાખવામાં આવેલી રૂપિયા બે લાખની કિંમતની માછીમારીની જાળ તથા રૂપિયા 28,500 ની કિંમતનો ડીઝલનો જથ્થો કબજે કરી, આ શખ્સની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ ઓખા મરીન વિભાગના પી.એસ.આઈ. દેવ વાંઝા, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ માડમ, આશપાલભાઈ મોવર, હરપાલસિંહ જાડેજા, જયેશભાઈ ખીમાભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.